Tapi mitra news:સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી ધોધમાર વરસાદ પડવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટીંગના કારણે સવારે પણ તેની અસર વર્તાઇ હતી. છેલ્લાં ૧૨ કલાકમાં ઉમરપાડામાં ૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની પરસ્થિતી પેદા થઇ હતી. જનજીવન ખોરવાઇ જવા પામ્યુ હતુ. આ ઉપરાંત સુરત શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો સહિત રસ્તાઓ પર પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. નવસારીના જલાલપોરમાં પણ ૪ ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. ઉપરવાસમાં પણ સરેરાશ ૬ ઇંચ વરસાદ ખાબકતા ઉકાઇ ડેમમાં ૨૭,૧૯૨ કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને ૩૨૮.૮૯ ફુટ પર પહોચી છે.
બંગાળની ખાડીમાં તા.૪ ઓગસ્ટે ડેવલપ થયેલ લો પ્રેશર એરિયા ૫મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખૂબ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ-વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિક ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંને સિસ્ટમના કારણે એક મોન્સૂન રેખા બની છે. જેના કારણે ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છેલ્લાં ૧૨ કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દે માર વરસાદ પડવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. વરસાદના કારણે જનજીવન પર અસર જાવા મળી હતી. ખાસ કરીને ઉમરપાડામાં ૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થીતી જાવા મળી હતી. લોકોના ઘરોમાં પાણી પણ ભરાઇ ગયા હતા. આ ઉપરાંત સુરત શહેરમાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તાર અને રસ્તાઓ પર પાણીના ખાબોચીયા જાવા મળ્યા હતા. સુરત શહેરની સાથે બારડોલીમાં ૮૩ મીમી , ચોર્યાસીમાં ૫૩ મીમી , કામરેજમાં ૫૫ મીમી , મહુવામાં ૭૫ મીમી , માંડવી ૭૬ મીમી , માંગરોળ ૧૧૩ મીમી , ઓલપાડમાં ૩૭ મીમી , પલસાણામાં ૫૭ મીમી , સુરત શહેરમાં ૬૨ મીમી , ઉમરપાડામાં ૨૦૫ મીમી વરસાદ પડ્યો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી અને જલાલપોરમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ સરેરાશ સુરત સહિત જીલ્લામાં ૧૨ કલાકમાં ૮૧૪ મીમી વરસાદ ખાબક્યો છે. ઉકાઇના ઉપરવાસમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે. ઉકાઇના ઉપરવાસમાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ ખાબકતા હથનુર ડેમની સપાટી ૨૦૯.૩૧ મીટ ર પર પહોચી છે. તેમાંથી ૭,૮૦૦ કયુસેકથી વધુ પાણી ઉકાઇમાં છોડવામાં આવ્યુ છે. આમ ઉકાઇમાં ૨૭,૧૯૨ કયુસેક પાણીની આવક સામે ૧ હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ છે. આમ ઉકાઇ ડેમની સપાટી વધીને ૩૨૮.૮૯ ફુટ પર પહોચી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500