નવી દિલ્હી:ભારતમાં કોરોના વાઈરસના કેસ હવે તીવ્ર ઝડપે વધી રહ્યા છે અને હાલ કેસ ઘટવાની કોઈ સંભાવના જણાતી નથી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર થઈ ગઈ છે તેમજ આગામી સમયમાં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં જુલાઈની મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કોરોનાના કેસની સંખ્યા ટોચ પર પહોંચવી જવાની સંભાવના છે.
ચિંતાની બાબત એ છે કે અત્યારથી જ દેશના અનેક રાજયોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળવા લાગી છે ત્યારે કોરોનાના કેસ પીક પર હશે ત્યારે દેશની સ્થિતિ શું હશે? ભારતની સમાચાર સંસ્થા પીટીઆઈની રાજયવાર ટેલી મુજબ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૯૮,૩૮૨ થઈ છે અને મૃત્યુઆંક ૮,૭૪૩ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૯,૬૫૧ કેસ નોંધાયા છે જયારે વધુ ૨૫૮માં મોત નીપજયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૫૨,૫૦૮ દર્દીઓ સાજા થઈ ગયા છે જયારે ૧,૪૫,૮૭૪ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૫૧.૧૧ ટકા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ ૧.૦૧ લાખને પાર થઈ ગયા છે જયારે ૩૭૧૭ દર્દીઓનાં મોત નીપજયાં છે. ભારતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. જૂનના ૧૨ દિવસના સમયમાં જ દેશમાં કોરોનાના કેસ ૧ લાખથી વધુ વધ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં વધારા છતાં સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે દાવો કર્યો હતો કે ભારતમાં કોરોનાના કેસના બમણા થવાનો દર કેટલાક સપ્તાહ પહેલાં ૧૫.૪ દિવસ હતો તે વધીને ૧૭.૪ દિવસ થયો છે. એટલે કે હવે દેશમાં ૧૭.૪ દિવસે કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના વાઈસ ચેરમેન ડો. એસ. પી. બાયોત્રાએ જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં હાલ કોઈ સ્થિરતા આવતી જણાતી નથી. દેશમાં જુલાઈની મધ્ય અથવા ઓગસ્ટમાં કોરોનાના કેસ પીક પર પહોંચી શકે છે. વધુમાં આગામી વર્ષના પહેલા ત્રિમાસિક પહેલાં કોરોનાની રસી આવે તેમ મને નથી લાગતું. દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં સરેરાશ દૈનિક કોરોનાના અંદાજે ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસની દૃષ્ટિએ ભારત વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના કેસ આ જ ઝડપથી વધતા રહેશે તો સ્થિતિ ભયાનક બની શકે છે. કોરોના સામે લડવામાં હાલમાં જ સ્વાસ્થ્ય તંત્ર ઢીલું પડી રહ્યું છે ત્યારે આગામી સમયમાં સ્થિતિ કેટલી ભયાનક હશે તે બાબત ચિંતાજનક છે. દરમિયાન દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થવાના કારણે કેબિનેટ સચિવે વીડિયો લિન્ક મારફત બધા જ રાજયોના મુખ્ય સચિવો, સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ સચીવો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવે બધાને કોવિડ-૧૯ કેસના નવા ઊભરી રહેલા એપી સેન્ટર્સ પર વધુ ધ્યાન આપવા અને ચેપનો પ્રસાર અટકાવવા માટે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા. બીજીબાજુ આઈસીએમઆરે પણ કોરોના વાઈરસના નિદાન માટે ટેસ્ટિંગ ક્ષમતા વધારી છે. હવે દેશમાં ૬૩૭ સરકારી અને ૨૪૦ ખાનગી લેબોરેટરી સહિત કુલ ૮૭૭ લેબોરેટરીમાં કોરોના વાઈરસના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. આ લેબોરેટરીઝમાં અત્યાર સુધીમાં ૫૩,૬૩,૪૪૫ સેમ્પલ્સના ટેસ્ટ થયા છે, જેમાંથી ૧,૫૦,૩૫૦ ટેસ્ટ છેલ્લા ૨૪ કલાકમાં કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500