Tapi mitra news:આંતર રાજય સરહદને અડીને આવેલા તાપી જિલ્લા માટે આજે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. અહીં સારવાર લઈ રહેલા છેલ્લા બે "કોરોના પોઝેટિવ" દર્દીઓ સ્વસ્થ થતા તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો.નૈતિક ચૌધરી તરફથી મળેલી વિગતો અનુસાર, વ્યારા ખાતે કાર્યરત કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલ (જનરલ હોસ્પિટલ) ખાતે સારવાર લઈ રહેલા સોનગઢના (મિસ્ત્રી ફળિયુ) "કોરોના પોઝેટિવ" ૩૭ વર્ષિય રિશી પ્રકાશ બાગડે કે જેમનો "કોરોના" ટેસ્ટ તા. ૨૨-૫-૨૦૨૦ ના રોજ પોઝેટીવ આવતા અત્રે દાખલ કરાયા હતા. જેમને આજ રોજ તા.૨-૬-૨૦૨૦ ના રોજ રજા આપવામાં આવી છે. સાથે ઉચ્છલના હનુમાન ફળિયાની ૨૩ વર્ષિય યુવતી નામે રંજના નિતેશભાઇ કહરને પણ કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલ ખાતે તેમનો "કોરોના" ટેસ્ટ તા. ૨૨-૫-૨૦૨૦ ના રોજ પોઝેટીવ આવતા દાખલ કરાયા હતા. જેઓ પણ સારવાર બાદ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગઈ કાલે એક દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે આ અગાઉ અન્ય ત્રણ દર્દીઓને પણ તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાથી રજા અપાઈ હતી. આમ, આજની તારીખે તાપી જિલ્લામાં સારવાર હેઠળના તમામ છ દર્દીઓને રજા અપાતા, જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી.આજે છેલ્લા બે દર્દીઓને રજા અપાઈ તેમને જનરલ હોસ્પિટલના ખાતે જરૂરી દવા તથા સપોર્ટીવ કેર જેવી કે એન્ટીબાયોટીક, વિટામીન વિગેરે ડૉ. હેમાંગીની ચૌધરી, એમ.ડી. ફિઝિશિયન સહિત અન્ય સ્ટાફ નર્સ દ્વારા સારવાર અને સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ, નર્સ સહિતના કર્મયોગીઓને અભિનંદન પાઠવી, તાપી જિલ્લાને હંમેશા ગ્રીન ઝોનમાં રાખવા માટે, પ્રજાજનોને સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ફેસ માસ્ક, અને સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ કરવાની અપીલ કરી છે. હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે જતા આ દર્દીઓને, ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ કે જેમાં ગ્લોવ્ઝ, માસ્ક, સેનેટાઈઝર તથા માર્ગદર્શિકા વિગેરે આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500