Tapi mitra news:છેવાડાના માનવીને પણ પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે તેવા રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસો છે, તેમ ગુજરાતના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ તાપી જિલ્લાની તેમની મુલાકાત વેળા જણાવ્યું હતું.
તાપી જિલ્લાની જેશીંગપુરા, અને વાલોડ જૂથ પાણી પુરવઠા યોજનાઓની જાતમુલાકાત લેતા મંત્રીશ્રીએ પાણી પુરવઠા બોર્ડ, અને વાસમોની વિવિધ યોજનાઓના સુભગ સમન્વયથી છેવાડાના માનવી સુધી "નલ સે જલ" પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ તેમની આ મુલાકાત વેળા ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજનાની સમીક્ષા પણ હાથ ધરી હતી. પાણીના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર અને પ્રશાસન હમેશા તૈયાર છે તેમ જણાવતા મંત્રી શ્રી બાવળિયાએ જિલ્લા અને રાજ્ય કક્ષાના કન્ટ્રોલરૂમ ખાતે પણ, પ્રજાજનો તેમના પ્રશ્નો નોંધાવી શકે છે તેમ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ તેમની આ મુલાકાત વેળા વાલોડના પશુપાલકોને મળી તેમની આજીવિકા, સમસ્યા અને ઉપલબ્ધ સેવા બાબતે પૃચ્છા કરી જાણકારી મેળવી હતી.વાલોડ ખાતેના સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીએ મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડીયા સહિતના મહાનુભાવો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા સાથે જિલ્લાના કણજા ખાતે આવેલા પાણી પુરવઠાના પ્લાન્ટ/ઇન્ટેક વેલની પણ મુલાકાત લીધી હતી.ઉલ્લેખનિય છે કે, "ડોલવણ જુથ પાણી પુરવઠા યોજના" હેઠળ, કુલ ૨૬ ગામોનો સમાવિષ્ટ કરાયો છે. જેની હાલની લાભાર્થી વસ્તી ૬૬,૧૦૮ છે. તે જ રીતે "જેશિંગપુર જુથ પાણી પુરવઠા યોજના" હેઠળ ૨૮ ગામોનો સમાવિષ્ટ કરી ૪૯,૧૨૭ વ્યક્તિઓને લાભ આપવામાં આવી રહ્યો છે. જ્યારે "વાલોડ જુથ પાણી પુરવઠા યોજના" હેઠળ, ૨૦ ગામોના ૬૩,૬૬૮ લોકોને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500