Tapi mitra News;લોકડાઉનમાં જીવનનિર્વાહ માટે સુરતના પુણા કારગીલ ચોક ખાતે રહેતા રેડીમેઈડ કપડાના વેપારીએ દૂધનો ધંધો શરૂ કર્યો હતો. અઠવાડિયા અગાઉ મળસ્કે વેપારી મોટરસાયકલ લઇ દૂધ લેવા જતા હતા ત્યારે પેટ્રોલ ખલાસ થતા રીક્ષામાં પેટ્રોલ પંપ જવા નીકળતા સહપ્રવાસીએ નજર ચૂકવી દૂધના વકરાના રોકડા રૂ.૨૦,૦૦૦ અને ડ્રાઈવીંગ લાયસન્સ સાથેના પર્સને ચોરી લીધું હતું અને વચ્ચે ઉતારી ફરાર થઇ ગયા હતા.
મૂળ ભાવનગરના વતની અને સુરતમાં પુણા કારગીલ ચોક નવેદ સાગર સોસાયટી ઘર નં.૧૦ માં રહેતા ૨૭ વર્ષીય જીગરભાઈ હરેશભાઇ રાજ્યગુરૂ સિટીલાઇટ રોડ ખાતે રેડીમેઈડ કપડાનો વેપાર કરે છે. જોકે, લોકડાઉનને લીધે દુકાન બંધ હોય તેમણે જીવનનિર્વાહ માટે દૂધનો છૂટક ધંધો શરૂ કર્યો હતો. ગત ૨૨ મી ના રોજ મળસ્કે પાંચ વાગ્યે જીગરભાઈ પોતાની મોટરસાયકલ લઇ ભટાર દૂધ લેવા માટે નીકળ્યા હતા. પરંતુ કબૂતર સર્કલ પાસે મોટરસાયકલમાં પેટ્રોલ ખલાસ થતા તે મોટરસાયકલ કેશવનગર પોલીસ ચોકીની બાજુમાં પાર્ક કરી ચાલતા ચાલતા આઈમાતા રોડ ક્રોસ કરી પરવત પાટીયા તરફ જવા માંડયા હતા.થોડે દૂર જતા પાછળથી એક રીક્ષા આવતા તેમણે હાથ બતાવી ઉભી રખાવી હતી અને પુણા પાટીયા પેટ્રોલ પંપ જવા બેસી ગયા જતા. તે સમયે રીક્ષામાં પાછળ એક અજાણ્યો બેસેલો હતો. રીક્ષાચાલકે જીગરભાઈને પુણા પાટીયા પહેલા ઉતારી દેતા તે ચાલતા ચાલતા પેટ્રોલ પંપ જતા હતા ત્યારે પેન્ટના પાછળના ખિસ્સામાં મુકેલા દૂધના વકરાના રૂ. ૨૦,૦૦૦ અને ડ્રાઈવીંગ લાયસન્સ સાથેના પર્સની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઉતાવળ હોય પેટીએમથી રૂ.૭૦ નું પેટ્રોલ લઇ જીગરભાઈ મોટરસાયકલ પાસે પરત ફર્યા હતા. પરંતુ મોટરસાયકલ ચાલુ ન થતા ઘરે પરત ગયા હતા. બાદમાં દૂધના કામમાં વ્યસ્ત રહેલા જીગરભાઈએ ગતરોજ પુણા પોલીસ મથકમાં સહપ્રવાસી વિરૂદ્ધ રોકડા રૂ.૨૦,૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.લોકડાઉનમાં રીક્ષાના પરિવહન ઉપર પ્રતિબંધ હોય પોલીસે બનાવ જ્યાં બન્યો હતો તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application