Tapi mitra News;કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના વાયરસ સામે લડવા માટે આગવો ઉપાય હોય તો તે રોગપ્રતિકારક શક્તિ વધારવી. શરીરની કુદરતી સુરક્ષા વ્યવસ્થા (રોગપ્રતિકારક શક્તિ) એ આપણું આરોગ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર સુરત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મિલન એન.દસોંદીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા આયુષ ટીમ દ્વારા પ્રતિરક્ષણાત્મક અને રોગપ્રતિકારક શક્તિ વધારવા જિલ્લાભરમાં ઉકાળા, સંશમનીવટી, હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સૂરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮,૮૩૬૮૦ લોકોને ઉકાળાનું વિતરણ, ૧,૮૩,૦૭૭ જેટલા લોકોને સંશમની વટી અને ૯,૧૧,૭૯૧ લોકોને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. સુરત જિલ્લાના તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના તબીબો અને સ્ટાફને ઉકાળા બનાવવા માટે જરૂરી ઔષધ દ્રવ્યો આપવામાં આવ્યાં હતા. ઉપરાંત શહેર અને જિલ્લાના ક્વોરન્ટાઈન વિસ્તારોમાં મેડિકલ ઓફિસરોએ ડોર ટુ ડોર કામગીરી કરી ઉકાળા, સંશમનીવટી, હોમિયોપેથી દવાઓનું વિતરણ કર્યું હતું.
આયુષ ટીમ દ્વારા લોકડાઉનમાં અવિરતપણે ફરજ બજાવતાં શહેર અને જિલ્લાના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસને પણ ઉકાળાનું નિયમિતપણે સેવન કરાવવામાં આવે છે. સુરત પોલીસ કમિશનરશ્રી આર.બી.બ્રહમભટ્ટના નિર્દેશ અનુસાર શહેરના કુલ ૬,૬00થી વધુ પોલીસકર્મીઓ આ ઉકાળા નો લાભ લે છે. આ ઉપરાંત, કડોદરા, વાવ ખાતે કોરોના વોરિયર્સ એવા ૧૫૦૦ વ્યક્તિના પોલીસ સ્ટાફ અને તેમના પરિવારજનોએ કોરોના રોગપ્રતિરોધક દવાનું સેવન કરવાનો અનુરોધ કરતા આર્સેનિક આલ્બ-30 નું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેર તથા જિલ્લાના પોલીસ સ્ટાફને તેમની ડ્યુટી સમયે પણ આ દવા આપવામાં આવી છે. અમૃત પેય ઉકાળાના સેવનથી થતાં લાભના કારણે લોકોની માંગમાં વધારો થતાં શહેરમાં આવેલા અટલ આશ્રમ ખાતે પ્રતિદિન ૫૦૦ થી ૭૦૦ લિટર ઉકાળો બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે. જેનો લાભ લગભગ ૧૦,૦૦૦ થી વધુ લોકોએ લીધો છે. વધતી જતી લોકમાંગને ધ્યાન માં રાખી અન્ય બે જગ્યાએ ઉકાળા બનાવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં શ્રી ઓ.હી.નાઝર આયુર્વેદ કોલેજ, સુરત તથા લીલાશાની વાડી, રામનગર ખાતે દરરોજ અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ લિટર ઉકાળો તૈયાર થાય છે.
સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત થયેલા ક્વારેન્ટાઈન સેન્ટર ખાતે દાખલ થયેલ દર્દીઓની સંમતિથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમૃતપેય ઉકાળા તથા સંશમની વટીનું વિતરણ કરવામાં આવે છે. આ ઉકાળા બનાવવા માટે શ્રી ઓ.હી.નાઝર આયુર્વેદ કોલેજ, સુરતના આચાર્ય તથા સ્ટાફનો ઉમદા સહકાર મળ્યો છે. સુરત શહેરમાં પાંચ સરકારી હોમિયોપેથી દવાખાનાઓ જે કૃષ્ણકુંજ, બેગમપુરા, પનાસ, ગણેશપૂરા, વરાછા ખાતે આવેલા છે, તેની દવાખાનાની આજુબાજુ તથા તે સિવાયના વિસ્તારોમાં પણ લોકોની રોગ પ્રતિકારક શકિત વધારવાના આશયથી હોમિયોપેથી દવા - આર્સેનિક આલ્બ 30' નું વિતરણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનીધિ પાનીના સહયોગથી તથા આર.બી.એસ.કે.ના ડોક્ટરો અને સ્ટાફ તથા હોમિયોપેથી મેડિકલ એસોસિએશન,સુરતના સંકલનથી સુરત સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૫ દિવસ સુધી હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ તથા હોસ્પિટલમાં આવનાર દર્દીઓને તેમજ લિંબાયત, ઉધના, અઠવા ઝોનમાં કુલ પાંચ લાખથી પણ વધુ લોકોને કોરોના રોગપ્રતિરોધક હોમિયોપેથી દવા- ‘આર્સેનિક આલ્બ ૩૦’નું વિતરણ કરાયું છે. સ્વાસ્થ્યપ્રદ ઉકાળા તેમજ આપણા આહારમાં તેમજ બજારમાં પણ સરળતાથી ઉપલબ્ધ એવી આયુર્વેદિક ચીજ વસ્તુઓ ઉમેરીને આપણે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ. સૂરત શહેર-જિલ્લાના ૨૬ આર્યુર્વેદિક ડોકટરો તથા આઠ હોમિયોપેથીક ડોકટરો, શિક્ષકો, મહાનગરપાલિકાના સ્ટાફ ગણ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના સહયોગથી સધન કામગીરી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500