Tapi mitra News;નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. નોવેલ કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે સરકારશ્રી દ્વારા તા.૨૫/૦૩/૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા માહે.એપ્રિલ-૨૦૨૦ અને માહે.મે-૨૦૨૦ માસમાં કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા ઠરાવેલ છે.
તાપીના જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લામાં NFSA APL-1 કેટેગરી ધરાવતા કાર્ડધાકોને વ્યક્તિ દીઠ ૩.૫ કિગ્રા ઘઉં, ૧.૫ કિગ્રા.ચોખા, કાર્ડદીઠ ૧ કિગ્રા ચણા/ચણાદાળ, કાર્ડદીઠ ૧ કિગ્રા ખાંડ તથા કાર્ડદીઠ ૧ કિગ્રા મીઠું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. જ્યારે Non-NFSA APL-1 કેટેગરી ધરાવતા કાર્ડધારકોને ઉક્ત સમયગાળા દરમિયાન કાર્ડદીઠ ૧૦ કિગ્રા ઘઉં, ૩ કિગ્રા ચોખા, ૧ કિગ્રા ખાંડ અને ૧ કિગ્રા ચણા/ચણાદાળ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના સીધા માર્ગદર્શન હેઠળ અન્નબ્રહ્મ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પણ વ્યક્તિદીઠ ૩.૫ કિગ્રા ઘઉં, ૧.૫ કિગ્રા ચોખા, કુટુંબદીઠ ૧ કિગ્રા ખાંડ, ૧ કિગ્રા મીઠુ તથા ૧ કિગ્રા ચણા/ચણાદાળનો લાભ આપવામાં આવી રહેલ છે. સરકારશ્રીની ઉપરોક્ત મુજબની જોગવાઇ જોતાં તાજેતરમાં સોશિયલ મીડીયામાં ફરતા થયેલા વોટ્સએપ વિડીયોમાં જણાવ્યા મુજબ, સરકારશ્રી દ્વારા APL કાર્ડધારકોને ફક્ત મીઠું અને ખાંડ જ આપવામાં આવતી હોવાની બાબત સત્યથી વેગળી છે. આ વિડીયોથી કોઈને પણ ગેરમાર્ગે નહિ દોરાવા, અને જો કોઈ લાભાર્થીઓને નિયમોનુસાર અનાજ નહિ મળે તો જિલ્લા ડિઝાસ્ટર તંત્રના કંટ્રોલ રૂમના ટેલિફોન નમ્બર ૧૦૭૭ ઉપર તે અંગેની જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે વધુમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500