Tapi mitra News:દક્ષિણ ગુજરાતની બીજી સૌથી મોટી નદી એવી પૂણ્યસલીલા તાપી નદીની આસપાસ વસેલા તાપી જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ઉદભવતી સંભવિત કોઈ પણ પરિસ્થિતિને સુપેરે પાર પડી શકાય તે માટે, સંબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રિ મોંસૂન કામગિરિની ચર્ચા કરતાં કલેક્ટરશ્રીએ જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમો શરૂ કરી, જવાબદાર અધિકારી, કર્મચારીઓને ફરજનિયુક્ત કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત તાપી જિલ્લાના તમામે તમામ સાત તાલુકાઓ માટે લાયઝન અધિકારીઓની નિયુક્તિ બાબતે પણ તેમણે ઉપયોગી દિશાનિર્દેશ આપ્યા હતા. ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના એક્શન પ્લાન અધ્યતન કરી જિલ્લા કક્ષાએ તેની જાણ કરવાની સૂચના આપતા શ્રી હાલાણીએ જોખમી વૃક્ષો,ઇમારતો, પાણીની ટાંકીઓ, વીજ પોલ, કોઝ વે જેવા મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગટરો, નાળાઓની સાફ સફાઈ સાથે, વર્ષા માપન અને રિવર ગેજિંગના સાધનો, ગ્રામીણ કક્ષાએ તરવૈયાઓની ઉપલબ્ધતા, રેસક્યું બોટ અને સંભવિત પૂરથી અસરગ્રસ્ત ગામોની યાદી, જે.સી.બી., ડમ્પર, ટ્રક, ક્રેઇન જેવા સાધનો, સહિત આશ્રય સ્થાનો વિગેરે મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી.ચર્ચામાં જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહ સહિત ડી.સી.એફ. શ્રી આનંદ કુમારે પણ ભાગ લેતા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.વહોનિયાએ કર્યું હતું. જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલી પ્રિ મોંસૂન અંગેની આ અગત્યની બેઠકમાં જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500