Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ હાઇ વે નંબર-53 ઉપર માંડળ ટોલ નાકા પાસે વટેમાર્ગુઓને ભોજન કરાવવા માટે ખડેપગે સેવારત કીકાકુઇના સેવાભાવી યુવકો 

  • May 17, 2020 

Tapi mitra News:તાપી જિલ્લામાથી પસાર થતાં નેશનલ હાઇ વે નંબર 53 ઉપર આવેલા વ્યારા-સોનગઢ વચ્ચેના માંડળ ટોલ નાકા પાસે ધોમધખતા તાપમાં ખડેપગે રહીને, વટેમાર્ગુઓને ભોજન કરાવી, તેમની જઠરાગ્નિને ઠારતા કેટલાક યુવાનો નજરે પડ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે, પાસેના જ કીકાકુઇ ગામના એક બી.એસ.એફ. જવાન નામે સેલવિન ગામિત અને તેના મિત્રવૃંદે અહી છેલ્લા દોઢેક માસથી આ સેવાયજ્ઞ માંડ્યો છે.
શરૂઆતમાં “લોકડાઉન”ને કારણે હાઇ વે ઉપરની તમામ હોટલો પણ બંધ હતી, ત્યારે અહીથી પસાર થતાં એકલ દોકલ વાહનો અને રાહદારીઓ માટે ચા-નાસ્તા થી શરૂ કરેલી આ સેવા આજે 12 કલાકના અવિરત ભોજન સુધી વિસ્તરી છે, તેમ જણાવતા સેલવિન ગામિતે જણાવ્યુ હતું કે, “લોકડાઉન”ને પગલે સાર્વજનિક વાહન વ્યવહાર બંધ થતાં, તે પશ્ચિમ બંગાળ તેના પોસ્ટિંગના સ્થળે જઇ ના શક્યો. ઘરે બેઠા બેઠા દેશસેવાની મળેલી આ તક ચૂકયાનો તેને રંજ થતો હતો, ત્યારે હાઇ વે ઉપરથી પસાર થતાં લોકોની ખાવા પીવાની યાતના તેના ધ્યાને આવી, અને મિત્રવૃન્દના સહકારથી ચા અને પૌઆના નાસ્તાથી સેવાની શરૂઆત કરી. ત્યારબાદ તો પગપાડા જતાં-આવતા શ્રમિકોની કતાર લાગવા માંડી, અને ટ્રક ચાલકો તથા ખાનગી વાહન ચાલકો પણ થોડી શરમ અને સંકોચ સાથે અહી બ્રેક મારતા થયા. સૌને અહી ચા, નાસ્તા અને ખિચડીનું ભોજન મળી રહેતા, દિવસભર લાભાર્થીઓનો મેળાવડો જામતો ગયો.સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આર.ટી.ઑ. વિભાગ સહિત જિલ્લાના વહીવટી વડા એવા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ પણ આ સેવા સ્થળની મુલાકાત લઈ, જરૂરી મદદ પૂરી પાડી, આ કાર્યને બળ આપ્યું.
કીકાકુઇ તથા આસપાસના ગામોના સેવાભાવી યુવકો અને વડીલોનો પણ સહયોગ મળતો થતા સવારના 6 થી 10 ચા નાસ્તો, અને ત્યાર પછી ખિચડી-કઢી અને શાકનું ભોજન આખા દિવસ દરમિયાન, અને રાત્રિના 12 વાગ્યા સુધી રાહદારીઓને પૂરું પાડવામાં આવે છે, તેમ જણાવતા જવાન સેલવિન ગામિતે જણાવ્યુ હતું કે, હાઇ વે હોટલો બંધ હોવાને કારણે ઘણી વાર સારા ઘરની અને મોટી મોટી કાર લઈને નીકળતી વ્યક્તિઓએ પણ, આ રસોડાનો લાભ લેવો પડ્યો છે. અહી કોઈ પણ જાતના ભેદભાવ વિના, ભૂખ્યાજનોને ભોજન આપવાનો સીધો અને સાદો નિયમ રાખવામા આવ્યો છે. છેલ્લા દોઢેક માસથી દરરોજના અંદાજિત 2500 થી 3000 જેટલા લોકોને વિનામુલ્યે ભરપેટ ભોજન પૂરું પાડવાનો આનંદ, ગામના યુવકોને આવી રહ્યો છે, તેમ જણાવતા સેલવિન ગામિતે લોકડાઉન ખૂલે, અને તે તેની ફરજ ઉપર પહોચે ત્યાં સુધી આ રસોડુ આમ જ ચાલતું રહેશે તેમ વિશ્વાસ સાથે જણાવ્યુ હતું. બી.એસ.એફ. જેવા અર્ધલશ્કરી દળમાં ફરજ બજાવતા યુવકને “લોકડાઉન” દરમિયાન ભલે તેની ફરજ બજવવાનો મોકો નહીં મળ્યો, પરંતુ ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાની અનાયાસે જ મળેલી આ તક, તેને મન દેશસેવા જેટલી જ કીમતી અને પવિત્ર છે, તેમ તેણે જણાવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application