Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન પૂરૂ ન થાય ત્યાં સુધી સુરતના વિવિધ વિસ્તારોમાં  ગરીબો-શ્રમિકોને  અન્નદાન કરાશે

  • May 13, 2020 

Tapi mitra News:વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ગરીબો-શ્રમિકો તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજનની મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સુરતના કતારગામ ખાતે ‘સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ ૫૦૦૦ ફૂડપેકેટ તૈયાર કરીને સુરતના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. સેવક ટ્રસ્ટ દ્વારા ડભોલી સર્કલ પાસે ધર્મનંદન ફાર્મ ખાતે ઊભા કરવામાં આવેલાં રસોઈઘરમાં ૪૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા સવાર સાંજ બે ટાઈમ માટે દરરોજ ૦૫ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. લોકડાઉન પૂરૂ ન થાય ત્યાં સુધી સેવક ટ્રસ્ટ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ગરીબો-શ્રમિકો માટે અન્નદાન- ભોજન સેવા કરવામાં આવશે. સંસ્થા દ્વારા લોકડાઉન શરૂ થયું તે સમયમાં ગત ૨૩ માર્ચથી જ ભોજન વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.  યોગી ડિવાઈન સોસાયટીના નીલ પટેલ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા સેવાકાર્યમાં ઉમદા સહયોગ આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના પ્રમુખશ્રી વિજયભાઈ ઘેલાણીએ સેવાકીય પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામે દેશ એકજૂટ બની લડી રહ્યો છે. સમગ્ર દેશ આજે લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે ઘણાં ગરીબ પરિવારોને ભોજનની મુશ્કેલી ન પડે તે હેતુથી ડભોલી પાસે ધર્મનંદન ફાર્મમાં દરરોજ બપોરે ૨૫૦૦ અને સાંજે ૨૫૦૦ એમ કુલ ૫૦૦૦ ફૂડ પેકેટ માટેનું ભોજન તૈયાર કરવામાં આવે છે. જેમાં ખીચડી કઢી, રોટલી શાક, પૂરી, બટાટા પૌવા, સુકી ભાજી બનાવવામાં આવે છે. દરરોજ આશરે ૪૦૦૦ જેટલા લોકો આ સેવાયજ્ઞનો લાભ લઇ રહ્યા છે. સંસ્થાના સ્વયંસેવકો ૦૩ ટેમ્પો દ્વારા સુમુલ ડેરી રોડની ઝુંપડપટ્ટી, વેડ રોડ, સ્ટેશન વિસ્તારની ગરીબોની ચાલીઓમાં ભોજન લઇ જઈને પીરસવામાં આવે છે. ભોજન લેવા આવતાં લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે એ માટે નિશાનીઓ કરી એકબીજાથી ચોક્કસ અંતર જાળવી રાખે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સુરતમાં છેલ્લાં ૦૭ વર્ષથી કાર્યરત સેવક ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોટબુક સહિતની અભ્યાસ કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.સ્વયં સેવકોમાં મહેશભાઈ કાકડિયા, રવિભાઈ સોસા(નચિકેતા કલાસીસ), નીલ પટેલ(યોગી ડિવાઈન સોસાયટી),  અમિતભાઈ ડોબરિયા, ગિરીશભાઈ સોસા, રસોઇયા હરિભાઈ વઘાસિયા સહિતના કાર્યકર્તાઓ ભોજન સેવાકાર્ય માટે જહેમત ઉઠાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application