Tapi mitra News:દર્દીઓને સાજા કરવામાં જેમની ભૂમિકાને ક્યારેય અવગણી ન એવા નર્સિંગ સ્ટાફ વગર આરોગ્ય સેવાઓ અધૂરી ગણાય. એટલે જ દર વર્ષે તા.૧૨મી મે ના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ઉજવીને આ સમુદાયની સેવા નિષ્ઠા પ્રત્યે આદર વ્યકત કરવામાં આવે છે. આજે નર્સિંગ દિવસ નિમિત્તે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નર્સીસ સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નવી સિવિલ હોસ્પિટલની નર્સીસ સાથે પણ આત્મીયતાપૂર્ણ અને સ્વજનશીલ સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કરી હતી. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં શ્રીમતિ અસ્મિતાબેન સાવલિયા સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. તમામ સ્ટાફ નર્સના હાલચાલ પૂછ્યા હતા, અને દૈનિક કામગીરીની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે ડિજીટલ માધ્યમથી વાત કરનાર અસ્મિતાબેને જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ સ્વભાવનો આજે પરિચય થયો છે. તેમણે મારા અને મારી સાથે ફરજ બજાવતાં તબીબી સ્ટાફના આત્મીયતાથી ખબર અંતર પૂછ્યા હતા. રાજ્ય સરકાર હરહંમેશ તમારી સાથે છે, તમારા સાથ સહકારથી કોરોનાને હરાવીને રહીશું એવો ભાવ પણ તેમણે વ્યકત કર્યો હતો.
અસ્મિતાબેન છેલ્લાં ૧૧ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ ડો. નરેશભાઈ પણ તબીબ છે. એક પુત્ર અને એક પુત્રીની જવાબદારી સાથે તેઓ પરિવારથી દૂર રહી કોવિડ-૧૯ હોસ્પિટલમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. નિયત કરાયેલી શિફ્ટ પ્રમાણે તેઓ હાલ તા.૧૧ થી ૧૭ મે સુધી કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહ્યા છે.દર્દીને સ્વજન ગણીને સેવા સુશ્રુષા કરવી જોઈએ એવી લાગણી વ્યક્ત કરતાં અસ્મિતાબેન જણાવે છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના સંકટ વચ્ચે આજે વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે સવારે ૧૧.૦૦ વાગ્યે અમારી સાથે વાત કરી અમારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. આજે કોરોનાની વિકટ પરિસ્થતિમાં અમારે ફરજિયાતપણે સિવિલની હોસ્ટેલમાં રહેવાનું હોય છે, ત્યારે પરિવાર, સંતાનો થી દૂર રહેવું પડે એવા સંજોગોમાં ઈમોશનલ થઈ જવાય તો પણ અમે ફરજને પ્રાધાન્ય આપી ખંતથી સેવા કરીએ છીએ. કોરોનાના દર્દીને સારવાર સાથે ધરપત આપવાથી એનું મનોબળ વધે છે, અને એ ઝડપથી રોગમુક્ત થાય છે. સારવારની સાથે દર્દીના દુઃખને હળવું કરવું એ અમારા વ્યવસાયનો સંકલ્પ છે. દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્વક અને આત્મીય વર્તન કરવામાં આવે તો તેનું અડધું દર્દ દૂર થઈ જાય છે એમ તેઓ જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application