Tapi mitra News-સુરતના હજીરા ખાતે આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા શ્રમજીવીઓ શનીવારે સવારે વતન જવાની માંગણી સાથે મોરા ખાતે રસ્તા ઉપર ઉતરી પડતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તેમને સમજાવી સ્થિતિ સામાન્ય કરવા તજવીજ હાથ ધરી હતી પરંતુ શ્રમજીવીઓ નહીં માનતા પોલીસે બળપ્રયોગ કરી તેમની અટકાયત શરૂ કરી હતી. ત્યારે ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો વણસ્યો હતો. પોલીસે છેવટે ટીયરગેસના ઉપરા છાપરી ચારથી વધુ સેલ છોડતા ટોળું વિખેરાઇ ગયુ હતુ. ત્યારબાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાંડેસરા , ઉધના , લિંબાયત બાદ હવે હજીરામાં પણ પરપ્રાંતિયોની ધીરજ ખુટી પડતા રસ્તા પર ઉતરતા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
સુરતના હજીરા વિસ્તારમાં વિરાટકાય કંપનીઓમાં કામ કરતા સેંકડો પરપ્રાંતીય શ્રમજીવીઓ શનિવારે સવારે વતન જવાની માંગણી સાથે એકત્ર થઈ રસ્તા ઉપર ઉતરી પડયા હતા. મોટી સંખ્યામાં શ્રમજીવીઓ એકત્ર થતા તુરંત ઇચ્છાપોર અને હજીરા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે શ્રમજીવીઓને સમજાવી સ્થિતિ સામાન્ય કરવા તજવીજ હાથ ધરી હતી. શ્રમજીવીઓનું ટોળું પોલીસ ચોકીની સામે જ બેસી ગયું હતું અને રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસની સમજાવટ બાદ પણ શ્રમજીવીઓ નહીં માનતા પોલીસે બળપ્રયોગ કરી તેમની અટકાયત શરૂ કરી હતી. જેને લઇને ઉશ્કેરાયેલા પરપ્રાંતિયોએ પોલીસ પર પથ્થરમારો કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમ છતાં પોલીસે સંયમ રાખી કામ લેવા જતાં પરપ્રાંતિયો ગાંઠ્યા ન હતા. છેવટે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા બાદ સ્થાનિક પોલીસે ઉપરા છાપરી ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આમ ચારથી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા બાદ ટોળું વિખેરાઇ ગયુ હતુ. પોલીસે તોફાન કરનારા પરપ્રાંતિયોની ધરપકડ કરવાનો દૌર શરૂ કર્યો છે. હાલ પોલીસે પેટ્રોલીંગની સાથે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application