હનીફ માંજુ દ્વારા ભરૂચ:એક તરફ પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે બેબાકળા બન્યા છે ત્યારે આવા સમયે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ અહેમદ પટેલની સૂચનાથી એની વહારે આવી છે. જેને લઇને પરપ્રાંતીઓમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
અંકલેશ્વર ના વતની અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે અંકલેશ્વર શહેર તાલુકા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ ને સૂચના આપી હતી અને જેઓ રેલવે નું ભાડું ખર્ચી શકે એમ નથી એવા પરપ્રાંતિયોને તેમના ઘરે જઈ શકે એ માટે રેલવેનું ભાડું ચૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે મંગળવારે રાત્રે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા, ભડદરા, સારંગપુર જીતાલી જેવા ગામોમાં વસતા ૫૦૦થી વધુ પરપ્રાંતિયોને ઘરે જઈને રેલવેનું ભાડું ચૂકવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપરાંત અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાય, ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મગનભાઈ માસ્તર સહિત તાલુકા પંચાયત સભ્યો અને શહેર-તાલુકાના હોદ્દેદારો પણ જોડાયા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે હાલની આ નાજુક પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ હોવાનો ફક્ત દાવો કરી રહી છે ત્યારે અહેમદ પટેલની સુચનાથી આ પરપ્રાંતીઓ પોતાના વતન જઈ શકે એ માટે અમે જેઓ ભાડું ખર્ચી શકે તે માટે સક્ષમ નથી તેઓને માનવતાની દ્રષ્ટિએ ભાડું ચૂકવ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા એક મોન્ટુ યાદવ નામના પરપ્રાંતી એ જણાવ્યું હતું કે લૉકડાઉન શરૂ થયું ત્યારથી અમે ફસાઈ ગયા હતા અને અમારી ખૂબ જ ખરાબ હાલત હતી આવા સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલે અમને પોતાના વતન જવા માટે વ્યવસ્થા કરી આપી એટલું જ નહીં પરંતુ અમને ભાડું પણ આપ્યું એ બદલ અમે તેમનાં આભારી છે.અન્ય એક પરપ્રાંતીયે જણાવ્યું હતું કે અમારે ખાવાના પણ ફાંફા હતા. આ પરિસ્થિતિમાં અમને જમવા મળતું ન હતું. પરંતુ સ્થાનિક સરપંચ તેમજ અન્ય કોંગી આગેવાનોએ અમને ભોજનની પણ વ્યવસ્થા પુરી પાડી હતી અને હવે અમે કોંગ્રેસના માધ્યમથી જ પોતાના વતન પરત જઈ શકીશું એ વાતનો ખૂબ જ આનંદ છે અને અમે આ બદલ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application