Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૭ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૭૪૨ હતી, જેમાં ૪૦ કેસોનો વધારો થવાથી આજે કુલ ૭૮૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૨૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૩૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૩૬ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪૭.૮ ટકા રિકવરી રેટ થયો છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી ૧૪ કેસો મળી આવ્યા છે. ૧૩,૨૬૮ કેસો ટેસ્ટીંગ કર્યા છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે આજની સ્થિતિએ ૧૬૭૨ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૦૦ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૦૭ લોકો છે. કોરોના સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાં લિંબાયતમાં ત્રણ દિવસ સુધી હોમિયોપેથીક દવા આપવામાં આવશે. સુરતમાં સૌ પ્રથમવાર APX સર્વેલન્સ લિંબાયતમાં કરવામાં આવશે. APX સર્વેલન્સ એટલે કે જે કોઈ પણ ઘરમાં શરદી, તાવ અને ડાયેરિયા જેવા કોવિડના કોઈ પણ લક્ષણો હોય તેવા ઘરની બહાર A લખવામાં આવશે. જેમના ઘરમાં કોઈ પણ વયસ્ક હોય અને તેમને ડાયાબિટીસ, હાર્ટ સંબંધિત કોઈ અન્ય બિમારી હોય તો તેમના ઘરની બહાર P લખવામાં આવશે અને જેમના ઘરે આ બેમાંથી કોઈ લક્ષણ ન હોય તેમના ઘરની બહાર X લખવામાં આવશે. આગામી ત્રણ થી ચાર દિવસમાં લિંબાયતના તમામ ઘરોને સર્વેલન્સમાં કવર કરવામાં આવશે.
લિંબાયતમાં આઈલેન્ડ સ્ટ્રેટેજીથી કામ કરવામાં આવશે એટલે કે લિંબાયતને એક ટાપુ તરીકે નિયત કરવામાં આવશે. લિંબાયતના તમામ એન્ટ્રી એક્ઝીટ રિસ્ટ્રિક્શન મુકવામાં આવશે. એટલે લિંબાયતમાંથી કોઈપણ બહાર ન જઈ શકે અને બહારથી કોઈ લિંબાયતમાં ન આવી શકે તેની ખાસ તકદારી રાખવામાં આવશે. આ સિવાય સેન્ટ્રલ ઝોનમાં પણ વધુ કેસો મળતાં અહીં પણ સર્વેલન્સ સઘન કરવામાં આવશે. સતર્કતા અને સાવધાની એ બે સૌથી મોટા શસ્ત્ર છે. સાથે આવતીકાલથી ૧૪ તારીખ સુધી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવશે.
હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં પણ કોરોના સંક્રમણ વધતાં ૩૪ ફિવર ક્લિનિક અને ૧૮૪ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ૬૧ પ્રચાર ગાડી મુકવામાં આવી છે. શ્રી પાનીએ શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૪૩ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૭૮૨ અને જિલ્લાના ૪૧ મળીને કુલ ૮૨૫ કેસો નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application