Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રાત્રિના ૭ થી સવારના ૭ દરમિયાન લોકો ઘરમાં જ રહે -રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા

  • May 05, 2020 

Tapi mitra News-રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ માટે રાજ્યના પોલીસ કર્મીઓ અને જાગૃત નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં રાત્રીના સાત કલાકથી સવારના સાત કલાક દરમિયાન લોકો ઘરમાં જ રહે, બહાર ન નીકળે, જો બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. લોકડાઉનના અમલ સંદર્ભે વિગતો આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે, રેડ ઝોન વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ ઘટે તે માટે માલવાહક વાહનોની હેરાફેરી તથા આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે, ત્યારે નાગરિકો પણ સંયમ રાખીને સહયોગ આપે. પોલીસને પણ આ માટે ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે. રોડ બ્લોક કરીને તમામ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકૃત લોકોને જ અવરજવર કરવા દેવાશે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વયસ્કો, સગર્ભા મહિલાઓ અને બાળકો પોતાના ઘરમાં જ શક્ય એટલા આઇસોલેશનમાં રહે. લોકડાઉનના અમલને સફળ બનાવવા અન્ય લોકો પણ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા સિવાય બહાર ન નીકળે અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિક તરીકેની જવાબદારી નિભાવે તેવી સૌને અપીલ પણ શ્રી ઝાએ કરી છે. શ્રી ઝાએ ઉમેર્યું કે, રેડ ઝોનના કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો અસરકારક અમલ કરાશે. આ વિસ્તારોમાં શક્ય તેટલી ઓછી અવરજવર થાય અને બિનજરૂરી અવરજવરને રોકવા માટે સ્થાનિક આગેવાનોનો સહયોગ લઇ આ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ કામ વગર બહાર ન નીકળે અને બહારથી કોઈ વ્યક્તિ અંદર ન આવે એ માટે માઇક્રો મેનેજમેન્ટ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ફિક્સ પોઇન્ટ ઉભા કરી વીડિયોગ્રાફી સાથે સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અમુક શરતોને આધીન વાહનોને છૂટછાટ આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરી શ્રી ઝાએ ઉમેર્યું કે, આ ઝોનના આંતર જિલ્લાઓમાં અધિકૃત પાસ કે પરમિશન સાથે જ પરિવહન કરી શકાશે. આ સિવાય જે લોકો અનઅધિકૃત રીતે અવરજવરનો પ્રયાસ કરશે તો પોલીસ તેમને ચોક્કસ અટકાવશે અને ગુનો દાખલ કરી તેમના વાહન પણ જપ્ત કરશે. જેમાં માલવાહક વાહનો અને આવશ્યક સેવાઓના વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉનના લીધે ગુજરાતમાં જ રોકાયેલા અન્ય રાજ્યોના લોકો તેમના વતન જવા ઇચ્છી રહ્યા છે તેમને વતન મોકલવા માટેની વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે તેમ જણાવી શ્રી ઝાએ ઉમેર્યું કે, વિવિધ શહેરોમાંથી રાજ્ય સરકાર દ્વારા ટ્રેન અને બસની વ્યવસ્થા કરાઈ છે પરંતુ વતન જવા વાળા અન્ય રાજ્યોના લોકોની સંખ્યા વધુ હોઇ થોડો સમય જરૂર લાગશે, એટલે આવા લોકોએ ધીરજ રાખીને તંત્ર અને પોલીસને સહયોગ આપવો જોઈએ. ખોટી રીતે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું જોઈએ નહિ. આમ થશે તો ચલાવી લેવાશે નહીં. પોલીસ કડક કાર્યવાહી કરશે. ગઈકાલે સુરત જિલ્લાના પલસાણા ખાતે અન્ય રાજયોના લોકો દ્વારા થયેલા સંઘર્ષના બનાવમાં ૨૦૪ લોકો સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, રાયોટિંગ, ૩૦૪, ૧૨૦(બી) સહિતની કડક કલમો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે. શ્રી ઝાએ ઉમેર્યું કે, રત્ન કલાકારો પણ અનિવાર્યતા ન હોય તો ત્યાં જ રોકાયા અને વતનના સ્થળે જવું હોય તો સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસેથી જરૂરી પાસ અને મંજૂરી મેળવીને જ જાય. સરપંચો પણ આવા લોકો ગામમાં પ્રવેશે ત્યારે તેઓના આરોગ્યની પૂરતી ચકાસણી કરીને કવોરન્ટાઈન સહિતની પગલાંઓ સુનિશ્ચિત કરે તે જરૂરી છે. high light-સુરત જિલ્લાના પલસાણા ખાતે અન્ય રાજયોના લોકો દ્વારા થયેલા સંઘર્ષના બનાવમાં ૨૦૪ લોકો સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, રાયોટિંગ, ૩૦૪, ૧૨૦(બી) સહિતની કડક કલમો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application