Tapi mitra News-પ્રેમી પર આંધળો વિશ્વાસ મૂકી માતા પિતા અને પરિવારને છોડીને નાસી જનાર યુવતીઓ સાથે જ્યારે પ્રેમના નામે વિશ્વાસઘાત થાય છે, ત્યારે આવી યુવતીઓ માટે ‘ન ઘરના, ન ઘાટના’ જેવી પરિસ્થિતિ સર્જાય છે. સમાજ માટે આંખ ઉઘાડનારો બનાવ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં બન્યો છે, જ્યાં પ્રેમલગ્ન કરનાર પતિ તેની પત્ની નોંધારી મૂકીને ભાગી જતા પીડિત મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની મદદગારીથી પતિ દ્વારા તરછોડાયેલી પરિણીતાએ મોટી બહેનનો આશરો લેવો પડ્યો હતો.
વાત એમ છે કે, સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાબેને (નામ બદલ્યું છે) અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પોતાની વ્યથા જણાવી કે, ‘મારો પતિ મને તરછોડીને ભાગી ગયો છે, હવે સાસરીમાં સાસુ- સસરા અને પિયરમાં માતા-પિતા તેને રાખવાની ના પાડે છે.’ જેથી મદદરૂપ બનવા વિનંતી કરી હતી.
અભયમની રેસ્ક્યુ વાનના સ્ટાફે રૂબરૂ જઈ તપાસ કરતાં પ્રજ્ઞાબેન પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ, ‘૨૪ વર્ષીય પ્રજ્ઞા તેના પરિવાર સાથે સરથાણામાં રહેતી હતી. તેને એક સ્થાનિક યુવક સાથે પરિચય થયો હતો. પરિચય પ્રેમના પરિણમતા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેની જાણ પ્રજ્ઞાના પરિવારને થતા તેઓએ સમાજ અને જ્ઞાતિમાં બદનામીના ડરે પ્રેમલગ્ન કરવાની ના પાડી હતી. છતાંય પ્રજ્ઞાએ માતા- પિતા અને પરિવારને અવગણીને પ્રેમી સાથે નાસી જઈ પ્રેમલગ્ન કર્યા હતા.
યુવકના માતા-પિતાને પુત્રના પ્રેમલગ્નની જાણ થતા તેમણે પણ આ લગ્નનો વિરોધ કરી પ્રેમી યુગલને અન્યત્ર જુદા રહેવા જણાવતા બંને પતિ-પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા. છ મહિના સાથે રહ્યા બાદ કોઈ અગમ્ય કારણસર છેલ્લા પાંચ દિવસથી પ્રજ્ઞાને એકલી મૂકી તેનો પતિ ભાગી ગયો હતો. પ્રજ્ઞાએ આજુબાજુ, તેના મિત્રો, સગા સંબંધીમાં તપાસ કરતાં તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી તેણે આ બાબતે સાસુ-સસરા અને માતા-પિતાને જાણ કરી, પરંતુ તેમણે સાથે રાખવાની ઘસીને ના પાડી દીધી હતી. જેથી ‘હવે શું કરવું, શું થશે?’ એવી અસમંજસભરી કપરી સ્થિતિમાં આખરે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની આપવિતી જણાવી હતી.
અભયમ ટીમે સૌ પ્રથમ તેને સરથાણા પોલિસમાં પતિના ગુમ થયા બાબતની ફરિયાદ આપવા જણાવ્યું હતું. અભયમને પ્રજ્ઞા પાસેથી જાણવા મળ્યું કે સુરતમાં તેની મોટી બહેન પણ રહે છે. પરંતુ હાલ લોકડાઉનનો વિકટ સમય, તેને રહેવાની મુશ્કેલી ઉપરાંત અણધારી પરિસ્થિતિના કારણે સતત ટેન્શનમાં હોવાથી સ્થિતિ હોવાથી સ્વસ્થ થાય તે પછી પોલિસ સંબંધી કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું હતું. સુરતમાં રહેતી મોટીબહેનનો સંપર્ક સાધી તેમને સમગ્ર હકિકતથી વાકેફ કરવામાં આવ્યાં હતા. અને હાલમાં લોકડાઉન હોવાથી તેને સાથે રાખવા સમજાવવામાં આવ્યા, અને પોલીસ ફરિયાદ આપવા જાણકારી આપી હતી. મોટી બહેને પણ તેને સાથે રાખવાની સંમતિ આપી હતી.આમ, માતા-પિતાની મંજૂરી વગર ઉતાવળમાં કરેલાં લગ્ન અને પતિના ઓચિંતા ભાગી જવાની ઘટનામાં માનસિક રીતે ભાંગી પડેલી પ્રજ્ઞાને અભયમે સાંત્વના આપી હતી. પતિના પલાયનવાદી વલણનો ભોગ બનેલી પ્રજ્ઞા હવે પેટ ભરીને પસ્તાઈ રહી છે. ખાસ કરીને, પ્રેમલગ્ન કરનાર યુવકોએ પોતાના માતાપિતાને માહિતગાર કરવા જોઈએ, જેથી તેઓ પ્રેમિકાનો પુત્રવધુ રૂપે સ્વીકાર કરે. ઉતાવળિયા અને સગવડીયા લગ્નસંબંધ પણ ક્યારેક હાનિ પહોંચાડે છે, જે સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં પૂરવાર થયું છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500