Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૩જી મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૬૩૮ હતી, જેમાં ૧૯ કેસોનો વધારો થવાથી આજે કુલ ૬૫૭ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે વધુ ૦૬ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૩૦ દર્દીના મૃત્યુ નોંધાયા છે. રિકવરી રેટ ૨૪ ટકા છે, જ્યારે ૪.૬ ટકા મૃત્યુ દર રહ્યો છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી આજે ૧૦ કેસો મળી કુલ ૨૬૦ કેસો આવ્યા છે. લિંબાયત ઝોનમાં ૧૪૯ સર્વેલન્સ ટીમ છે, અને વધુ ૧૦૦ ટીમો તૈનાત કરવામાં આવશે. લિંબાયત ઝોનમાં કોરોના કન્ટ્રોલ માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. કુલ ૧૨,૧૮૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૬૫૭ પોઝિટીવ અને ૧૧,૪૭૨ નેગેટીવ કેસો નોંધાયા છે.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૧૮૨૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૩૨૬ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૨૧૦ લોકો છે, જ્યાં આજે ૦૧ વ્યક્તિનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેથી લોકોની માનસિક રીતે સધિયારો અને પ્રોત્સાહન મળે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં ૨૫ ફિવર ક્લિનિકની સુવિધાના કારણે સઘન આરોગ્ય તપાસને વેગ મળી રહ્યો છે. ૮૬ હેન્ડવોશીંગ મશીન મુકવામાં આવ્યા છે. ૧૦૦૮ સર્વે ટીમ કામ કરી રહી છે. સ્લમ એરિયામાં ૧૫૪ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી પાનીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુરત રેડ ઝોનમાં આવે છે તેથી સંપુર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. તેમાં કોઈ પણ પ્રકારની છુટછાટ આપવામાં આવશે નહિં. લોકડાઉનના ત્રીજા તબક્કામાં જરૂરી પરવાનગી સિવાયના માણસોની અવરજવર પર સાંજના ૦૭ વાગ્યાથી સવારના ૦૭ વાગ્યા સુધી સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે. આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની દુકાનો ખોલવામાં આવશે નહિં. ૧૦ વર્ષથી નાની ઉંમરનુ બાળક અને ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ અને સગર્ભા મહિલાને ઘરની બહાર નિકળવાની મંજુરી મળશે નહિં. એક અગત્યની વાત ઉપર ભાર આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકોએ ઈન્ફેક્શનથી બચવા માટે વધુમાં વધુ ગરમ પાણીનું સેવન કરવુ જોઈએ, ઉપરાંત લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ્માન મંત્રાલયના આરોગ્યલક્ષી સુચનોનું સંપુર્ણ પાલન કરવું. આજે સુરતથી ૩૬૦૦ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૩૪ અને શહેરમાં ૬૫૭ મળીને શહેર અને જિલ્લામાં કુલ ૬૯૧ કેસો નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500