Tapi mitra News-રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવેલ છે તેમજ કોરોના વાયરસ ફેલાવતા સુપર સ્પ્રેડર્સના લીધે સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવવાની શક્યતા વાળા શાકમાર્કેટ સહિતના જાહેર સ્થળોને પણ કોર્ડન કરી લોકોની અવરજવર રોકવામાં આવશે તેમ શ્રી ઝાએ વધુમાં જણાવ્યું હતું.
લોકડાઉનના અમલ દરમિયાન રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોકોને કોઈપણ જાતની અવરજવર ન કરવાની તાકિદ કરતા શ્રી ઝાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે બિનજરૂરી અવરજવર કરતા લોકો પકડાશે તો તેમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવશે. શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથેસાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે તેમ શ્રી ઝાએ ઉમેર્યુ હતુ. લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમ જણાવી શ્રીઝાએ લોકોને આવા સ્થળોએ યોગ્ય અંતર જાળવવા અને ભીડ ન કરવા અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application