Tapi mitra News-સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા અને યુદ્ધ વિમાનોની ફ્લાય પાસ્ટ યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ઉપર ભારતીય વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા અંદાજે ૧૦૦ મીટરની ઊંચાઈએથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
આ સાથે ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી એવા સુખોઈ-3૦ ત્રણ યુદ્ધ વિમાનો દ્વારા ફાઈટર એરક્રાફ્ટ ફોરમેશનમાં માત્ર ૫૦૦ મીટરની સૌથી નીચી ઊંચાઈએ ગુજરાત વિધાનસભા ઉપરથી સવારે ૧૧.૨૫ કલાકે પસાર થઈ ફ્લાય પાસ્ટ યોજીને સન્માન કર્યું હતું. ભારતીય વાયુદળના ખાસ બેન્ડ દ્વારા ગાંધીનગર સિવિલમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા' ધૂન વગાડીને તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરતા સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બન્યું હતું. આ સાથેસાથે ત્યાં ઉપસ્થિત તબીબો, નર્સ, મેડિકલ સ્ટાફ, દર્દીઓ અને સામાન્ય લોકોએ પણ સામાજિક અંતર જાળવીને તાલીઓ પાડીને તેમનું સન્માન કરીને સમગ્ર વાતાવરણને જુસ્સામય બનાવીને કોરોના વોરિયર્સનો જુસ્સો વધુ બુલંદ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના દ્વારા ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની ખાતે અંદાજે એક જ સમયે કોવિડ-19 હોસ્પિટલ્સ ઉપર પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. જેમાં ગુજરાતમાં અમદાવાદ સ્થિત બી.જે મેડીકલ કોલેજ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ તેમજ જી.એમ.ઇ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરનો સમાવેશ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application