Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૮મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૫૪૩ હતી, જેમાં ૧૨ કેસોનો વધારો થવાથી આજે કુલ ૫૫૫ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૧૭ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૧૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે.પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૨૩ કેસો છે. આજે લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૦૫ પોઝિટીવ કેસો મળ્યા છે. કુલ ૧૦,૪૫૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૫૫ પોઝિટીવ અને ૯૮૭૭ નેગેટીવ કેસો નોંધાયા છે.તમામ ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૭૦૩ ટીમો દ્વારા આજ સુધી ૨,૦૧,૮૨૮ ઘરો તેમજ ૭,૬૧,૧૦૨ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, રેપિડ એન્ટી બોડી ટેસ્ટમાં વિસંગતતા આવવાથી આ ટેસ્ટીંગ પ્રક્રિયા આજથી સ્થગિત કરવામાં આવી છે. આજની સ્થિતિએ ૨૨૫૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને ૫૩૫ સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, કુલ ૨૭૯૩ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પોઝિટીવ કેસોનું પ્રમાણ ઘટાડવા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું યોગ્ય અને ચુસ્તપણે પાલન ન કરનાર વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે.
શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૦૮.૮૩ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૧ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૫૫૫ અને જિલ્લાના ૨૧ મળીને કુલ ૫૭૬ કેસો નોંધાયા છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500