Tapi mitra News-લોકડાઉનમાં વંચિતોની વ્હારે આવીને અનેક લોકો, સેવાભાવી સંસ્થાઓ નિ:સ્વાર્થભાવે જનસેવા કરી રહ્યા છે, ત્યારે ક્યારેક સેવા કરવાંમાં પણ વણનોતર્યા ઝઘડાઓ ઊભા થતાં હોય છે, આવા સંજોગોમાં સેવા કરનારને ‘ધરમ કરતાં ધાડ પડી’ હોવાનો અનુભવ થાય છે.
વાત એમ છે કે, સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાંથી પુષ્પાબેન (નામ બદલ્યું છે) એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જેઠ દ્વારા થતી પજવણીમાંથી મુક્તિ અપાવવા ફરિયાદ કરતા અભયમ રેસ્ક્યુ ટીમ કતારગામ પાસે અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતાં મહિલાના ઘરે પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલાને સુઝબુઝ અને સમજાવટથી શાંત પાડવામાં સફળતા મળી હતી.
સ્થળ પર પહોંચેલી અભયમ ટીમે ફરિયાદ કરનાર મહિલા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, પુષ્પાબેનના પતિ ડાયમંડની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પતિના મોટા ભાઈ એટલે કે પુષ્પાબેનના વિધુર જેઠ શંકરભાઈ અલગ અને એકલાં રહે છે, અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેઓ લોકડાઉન પહેલાં બહાર લોજમાં જમતા હતા, પરંતુ હાલ કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉનના કારણે ધંધારોજગાર બંધ છે, ત્યારે પુષ્પાબેનના જેઠ શંકરભાઈની ફેક્ટરી અને લોજ બંધ હોવાથી બહાર જમવાની સમસ્યા હતી. જેથી પુષ્પાબેન અને તેમના પતિએ શંકરભાઈને પોતાના ઘરે આશ્રય આપી તેમની જમવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ જેઠનો સ્વભાવ શંકાશીલ અને ચીડિયો હોવાથી વાતવાતમાં પતિ પત્નીને ટોકતા હતાં. ઉપરાંત, કોરોનાનો ભય તેમના મગજ પર સવાર થઇ ગયો હોય એવું વર્તન કરતાં. પુષ્પાબેન દૂધ કે શાકભાજી લેવા માટે બહાર નીકળે તો પણ રોકટોક કરતા હતા, અને જમવામાં રોજ શાકભાજીની જગ્યાએ કઠોળ બનાવવાનું કહેતાં. શાકભાજી ખાવાથી કોરોનો થઈ જશે એમ કહી બંને ટાઈમ ફક્ત કઠોળ ખાવાની ફરજ પાડતા હતા. દૂધ ખરીદવાના બદલે દૂધ વગરની ચા પીવા માટે દબાણ કરતાં. પુષ્પાબેન જેઠની વધુ પડતી દખલગીરીથી દલીલ કરતાં ‘તમને શું ખબર પડે?’ એમ કહી તેમને ઉતારી પાડતા. આમ, નાની વાતમાંથી વાતાવરણ ઉગ્ર થઈ જતું.
ગત રોજ આવી જ બાબતને લઈને શંકરભાઈએ પતિ પત્ની સાથે બોલાચાલી અને હાથમાં આવી તે વસ્તુઓનો છૂટ્ટો ઘા કરી મારામારી કરી હતી. ઘરનો સામાન પણ વેર વિખેર કરી નાંખ્યો હતો. અને ‘કોરોના થઇ જશે તમને બધાને, હું કહું તેવું જ ઘરમાં કરો’ એવો દુરાગ્રહ રાખતા આખરે પુષ્પાબેને જેઠથી તંગ આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરી પોતાની વ્યથા જણાવી હતી. અભયમ ટીમે જેઠને શાંતિથી સમજાવ્યા કે, કોરોનાની મહામારીમાં ઘરમાં જ રહેવા સાથે કેટલીક સાવચેતી જરૂર રાખવાની છે, પરંતુ શાકભાજી અને દૂધ લેવાથી કોરોનો થઇ જ જશે એવો ભય રાખવાની જરૂર નથી. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પુષ્પાબેન અને તમારા નાના ભાઈ તમારી સારસંભાળ રાખે છે, તમને સમયસર જમવાનું આપે છે, જે એમની ભલમનસાઈ દર્શાવે છે. તમને ભાઈ અને તેમની પત્નીથી બીજી કોઈ પ્રકારની તકલીફ નથી, તો હવે શા માટે ઘરમાં ઝઘડાઓ કરી નવી સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે? તમારા સ્વભાવના કારણે તેઓ તમને અહીં રાખવાનો ઈન્કાર કરશે, તો ક્યાં જશો? જેથી અત્યારે જે પણ વ્યવસ્થા છે તેને સ્વીકારી પતિપત્નીને સહકાર આપો, અને શાંતિપૂર્વક ઘરમાં રહો.
આમ, અભયમ દ્વારા શાંતિથી કાઉન્સેલિંગ કરવામાં આવતા શંકરભાઈને પોતાની ભૂલ સમજાઈ હતી, તેમણે પુષ્પાબેન અને નાના ભાઈની માંફી માંગી હતી, અને લોકડાઉન પૂરૂ થાય થાય ત્યાં સુધી કોઈ હેરાનગતિ નહીં કરે તેવી ખાત્રી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500