Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૫૪૩ અને જિલ્લાના ૨૧ મળીને કુલ ૫૬૪ કેસો નોંધાયા,૧૯ દર્દીઓના મોત

  • April 28, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૭મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૫૧૩ હતી, જેમાં ૩0 કેસોનો વધારો થવાથી આજે કુલ ૫૪૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ કુલ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે આજે બે દર્દીના અવસાન થવાની સાથે કુલ ૧૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૧૪ કેસો છે. આજે વરાછા-એ ઝોનમાં સૌથી વધુ ૧0 પોઝિટીવ કેસો મળ્યા છે. કુલ ૧૦,૪૨૨ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૪૩ પોઝિટીવ અને ૯૬૪૫ નેગેટીવ કેસો નોંધાયા છે. તમામ ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૭૦૫ ટીમો દ્વારા આજ સુધી ૧,૭૯,૮૦૨ ઘરો તેમજ ૬,૭૪,૭૪૪ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાને લઈ સુરત શહેરમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ૦૫મી મે સુધી ખોલી શકાશે નહી. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, રેપિડ એન્ટી બોડી ટેસ્ટમાં વિસંગતતા આવવાથી આ ટેસ્ટીંગ પ્રક્રિયા આવતીકાલથી હાલપૂરતી સ્થગિત કરવામાં આવશે. આજે કેન્દ્ર સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટીમે ત્રીજા દિવસની સુરત શહેરની મુલાકાત અંતર્ગત અક્ષયપાત્રના ભોજન કેન્દ્રો,અડાજણના સ્વૈચ્છિક સંસ્થાઓના ભોજન વિતરણ કેન્દ્રોની મુલાકાત લઇ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન સુવિધાઓનો તાગ મેળવ્યો હતો, સુરતની સંસ્થાઓની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. આજની સ્થિતિએ ૧૭૭૪ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને ૫૧૨ સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, કુલ ૨૨૮૬ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પોઝિટીવ કેસોનું પ્રમાણ ઘટાડવા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું યોગ્ય અને ચુસ્તપણે પાલન ન કરનાર વિસ્તારોમાં આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે. શ્રી પાનીએ કહ્યું કે, મનપાની ‘કોવિડ કમાન્ડો’ પહેલમાં સૈયદપુરાના શ્રી જયેશભાઈ મેવાડા ૩૦ લોકો સાથે અને આકાશભાઈ નવસારીવાલા ૦૫ લોકો સાથે કોવિડ કમાન્ડો રૂપે આરોગ્ય વિભાગ સાથે જોડાયા છે. આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૦૯.૬૪ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૧ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૫૪૩ અને જિલ્લાના ૨૧ મળીને કુલ ૫૬૪ કેસો નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application