Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમસ્યાના ઉકેલ માટે યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા પડશે:શિક્ષણમંત્રીશ્રી

  • April 27, 2020 

Tapi mitra News-કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક જગતમાં ફેરફાર થવાની સંભાવના છે ત્યારે માનવીએ તેની જીવનશૈલી અને જીવન પધ્ધતિમાં પણ ફેરફાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયાં સુધી શિક્ષણ ક્ષેત્રને સંબંધ છે ત્યાં સુધી કોરોનારૂપી વૈશ્વિક અદ્રશ્ય આપત્તિના આ સમયનો અભ્યાસ કરીને યુનિવર્સિટીઓ કે શિક્ષણ સંસ્થાઓએ આગામી દિવસોમાં તેના અભ્યાસક્રમોમાં પણ ફેરફાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કોરોનાની પરિસ્થિતિના સંદર્ભમાં નિર્માણ થયેલી સ્થિતિનું ચિંતન કરવા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચિંતન બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. શિક્ષણમંત્રીશ્રીએ દૂનિયાભરના વિદ્વાન લોકોએ ઓનલાઈન પધ્ધતિથી એક બીજાના સંપર્કમાં રહીને વૈશ્વિક સમસ્યાનું કઈ રીતે સમાધાન કરવું તે અંગેની વ્યવસ્થાઓ પણ ઉભી કરવી પડશે તેમ જણાવ્યું હતું. લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારને કેવી રીતે ટકાવી રાખવા અને તેના માટે જરૂરી વાતાવરણ ઉભું કરવાની જરૂરિયાત પર પણ શિક્ષણમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટ કોરોના સમયમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે ત્યારે આ નવા પડકારને ઝીલવા માટે યુનિવર્સિટીઓ શું કરી શકે તેનું ચિંતન કરવામાં આવે. કોરોના સામે છેડાયેલા જંગમાં સતત પ્રવૃત્ત અને જાગૃત રહેવું જરૂરી છે. આપણા સતત પૂરૂષાર્થમાં કાં તો જીત મળશે અથવા તો જીતની રીત મળશે. શ્રી ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકે એ સમજવું પડશે કે વેન્ટીલેટર કરતા માસ્ક પહેરવું સારુ. આઈ.સી.યુ. કરતા ઘરમાં રહેવું સારુ. જીદગીથી હાથ ધોવા પડે તેના કરતા સાબુથી હાથ ધોવા સારા. આ સૂત્રને જો સમજવામાં આવે તો પણ કોરોનારૂપી મહામારીનો સામનો કરવામાં આપણને સફળતા મળશે. આપણે અત્યાર સુધી ધરતીકંપ, વાવાઝોડા, દુષ્કાળ, પૂર જેવી દૃશ્ય આફતો જાઈ છે. પરંતું આ કોરોના એ અદશ્ય આફત છે ત્યારે તેની સામે લડવામાં ખૂબ જ જાગૃતિ અને સ્વયં શિસ્ત જરૂરી છે તેમ શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ ચિંતન બેઠકમાં જાણીતા સામાજિક આગેવાન શ્રી અતુલજી લિમયે, નંદુરબાર ખાતેના કૃષિ વૈજ્ઞાનિક શ્રી ગજાનંદ ડાંગે, પ્રખર ચિંતક શ્રી યશવંતભાઈ ચૌધરી તથા રાજ્યની સરકારી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહીને પોતાના વિચારો વ્યકત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application