Tapi mitra News-કોરોના વાયરસ મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેવા સમયે કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ કેટલાક કરિયાણાની દુકાનદારો, મેડીકલ સ્ટોર્સના સંચાલકો દ્વારા માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝર તથા અન્ય ચીજવસ્તુઓની છાપેલ કિંમત કરતા વધુ કિંમત લેવા બદલ તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ માર્ચ તથા એપ્રિલ-૨૦૨૦ માસ દરમિયાન સુરત અને તાપી જિલ્લાના ૩૧૩ મેડીકલ સ્ટોર્સ, અનાજ કરિયાણા, ડેરીપાર્લર તથા શાકભાજી/ફ્રુડસના વેપારીઓની ઓચિંતી તપાસણી કરીને ૪૨ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૮૩,૯૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મેડીકલ સ્ટોર્સ ખાતે વેચાણ કરવામાં આવતા ફેસ માસ્ક તથા હેન્ડ સેનટાઈઝરમાં વધુ ભાવ લેવા બાબતે કુલ ૧૨ મેડીકલ સ્ટોર્સ સામે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૪૬,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે તથા બમરોલી ખાતે આવેલ માસ્કના ઉત્પાદક એકમ દ્વારા ધી પેકેઝડ કોમોડીટીઝની જોગવાઈ મુજબ ફેસ માસ્કના પેકીંગ ઉપર જરૂરી નિર્દેશન દર્શાવેલ ન હોવાથી એકમ સામે કેસ કરી રૂા.૨૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર તથા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા લોકડાઉનના ધા્યને લઈ ગ્રાહકોની મળતી ફરિયાદોને અગ્રતા આપી કચેરીના વિભાગીય નિરીક્ષકો દ્વારા અનાજ કરિયાણા, ડેરી પાર્લર તથા શાકભાજી/ફ્રુડસના વેપારીઓની પણ અલગ-અલગ જગ્યાએ ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં યોગી ચોક ખાતે(૧) શ્રી ખોડલધામ ટ્રેડીંગ કુ તથા કામરેજ ખાતે ભગવતી પ્રોવિઝન સ્ટોર્સ, ગોડાદરા ખાતે અભિષેક કરીયાણા સ્ટોર્સ અને બાબા ભેરૂનાથ જનરલ એન્ડ કિરાણા સ્ટોર્સ તેમજ ઉગતના ભેસાણ રોડ ખાતે આવેલી સાંવરીયા પ્રોવિઝન સ્ટોર્સ અને પાલનપુર જકાતનાકા ખાતે ગણેશ પ્રોવિઝન સ્ટોર્સ સામે દંડની વસુલાત કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની કિમ ચાર રસ્તા ખાતે આવેલી મહાવીર એજન્સી તથા રાજેશ કિરાણા સ્ટોર્સ, કામરેજ તાલુકાના વાવની દેવ નારાયણ તથા મહાદેવ કિરાણા સ્ટોર્સ તેમજ તાપી જિલ્લામાં ડોલવણ ખાતે બાલાજી સુપર માર્કેટ તથા મયુર સુપર માર્કેટ સામે સીંગતેલ, દુધ-છાસ તથા અન્ય ચીજવસ્તુઓના છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાનું ધ્યાને આવતા તમામ એકમો સામે ધી લીંગલ મેટ્રોલોજી એકટ અન્વયે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૧૯,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સુરત શહેરના પોશ વિસ્તાર એવા ધોડદોડ રોડ, સીટીલાઈટ, વેસુ તથા ન્યુ વી.આઈ.પી. રોડ ખાતે કચેરીના વિભાગીય નિરીક્ષકો દ્વારા શાકભાજી તથા ફ્રુટસના વેચાણ કરતા ૨૦ ફેરીયાઓની સામે ધી લીગલ મેટ્રોલોજી એકઠ-૨૦૦૯નો ભંગ કરવા બદલ કેસ કરી રૂા.૨૪૦૦નો દંડ વસુલાત કરવામાં આવી હોવાનું મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સ, સુરત સંપર્ક સાધવો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500