Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ તા.૨૬મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૪૮૦ હતી, જેમાં ૩૩ કેસોનો વધારો થવાથી આજે કુલ ૫૧૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. આજે ૦૪ દર્દીઓ તેમજ કુલ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે ૧૭ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આજે બે દર્દીના અવસાન થયા છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૧૨ કેસો છે. આજે કતારગામ ઝોનમાં સૌથી વધુ ૧૧ પોઝિટીવ કેસો મળ્યા છે. કુલ ૧૦,૧૩૧ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૧૩ પોઝિટીવ કેસો નોંધાયા છે. તમામ ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૫૮૭ ટીમો દ્વારા આજ સુધી ૧,૯૦,૨૩૨ ઘરો તેમજ ૭,૧૭,૪૯૯ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાને લઈ સુરત શહેરમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ૦૫મી મે સુધી ખોલી શકાશે નહી. આજે વ્યાપારી મંડળ સાથે તંત્ર દ્વારા બેઠક યોજી હતી, જેમાં તેમણે સર્વસંમતિથી દુકાનો બંધ રાખવામાટે સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજે ૨૫૮ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ૦૨ પોઝિટીવ કેસો મળ્યા છે. આજે કેન્દ્ર સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટીમે બીજા દિવસની સુરત શહેરની મુલાકાત અંતર્ગત કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિ, સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય સુવિધાઓનો તાગ મેળવ્યો હતો, તેમજ માનદરવાજા ટેનામેન્ટ હોટસ્પોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. સુરતની કોવિડ કામગીરીથી પ્રભાવિત થઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે ૪૪૩૬ સ્થળોએ અને કુલ ૧,૧૦,0૧૮ સ્થળોએ ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી છે.
આજની સ્થિતિએ ૧૮૪૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને ૪૮૭ સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, કુલ ૨૩૩૫ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પોઝિટીવ કેસોનું પ્રમાણ ઘટાડવા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું યોગ્ય અને ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે. શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૦૯ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૧ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૫૧૩ અને જિલ્લાના ૨૧ મળીને કુલ ૫૩૪ કેસો નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500