Tapi mitra News-કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે સૂરત શહેરમાં કોરોનાના વધતા જતા કેસ તથા પરપ્રાંતિય કામદારોની સગવડ અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય પાંચ સભ્યોની ટીમેં સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી હતી.
શ્રી જળશક્તિ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીશ્રી જી.અશોમ કુમારની અધ્યક્ષપણા હેઠળની ટીમે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં શહેર-જિલ્લાના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા શહેરના વિવિધ ડાયમંડ, ટેક્ષટાઈલ એસોસીયેશનોના અધ્યક્ષશ્રીઓ તબક્કાવાર બેઠક યોજી કોરોનાની પરિસ્થિતિ બાબતે પરામર્શ કર્યો હતો.પદાધિકારીઓની બેઠકમાં વન,આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ તથા તમામ ધારાસભ્યશ્રીઓએ કોરોની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્રીયટીમને પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જેમાં સૌ પદાધિકારીઓેએ એક સૂરમાં જણાવ્યું હતું કે, સૂરત શહેરમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા તથા અન્ય રાજયોના અંદાજે ૧૨ થી ૧૫ લાખ જેટલા પરપ્રાંતિયો સૂરતમાં શહેરમાં રોજગારી અર્થે વિવિધ ઈન્ડસ્ટ્રીઝોમાં વસવાટ કરે છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન તેઓને જિલ્લા વહીવટીતંત્ર તથા સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બે સમય ભોજન, રાશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાનું વેતન પણ ચૂકવવામાં આવ્યું છે. પરંતુ એક મહિનાથી વધુ સમયગાળો થયો હોવાથી ઘર, પરિવાર તરફથી તેઓને વતનમાં આવવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ચાલુ દિવસોમાં એક નાનકડા રૂમમાં દસથી પંદર શ્રમિકો બે થી ત્રણ પાળીમાં કામ કરતા હોય છે. લોકડાઉનના પરિણામે હાલમાં એક જ ખોલીમાં બધા એક સાથે રહેતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતુ ન હોય સાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેથી આ શ્રમિકોની એક જ માંગ છે કે, તેઓને પોતાના વતનમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે લોકડાઉન ખુલતાની સાથે એક સાથે શ્રમિકોનો પોતાના વતનમાં જવા માટેનો ધસારો થશે. જે પરિસ્થિતિમાં યોગ્ય આયોજન સાથે તેઓને કંઈ રીતે વતન રવાના કરવામાં આવે તે અંગે ચૌક્કસ પ્લાનીંગ કરવામાં આવે તેવી રજુઆતો કરી હતી.
જે લોકો પાસે પ્રાઈવેટ વાહન છે તેઓને પોતાના વતનમાં જવા માટે મંજુરી આપવા રજુઆતો કરાય હતી. પદાધિકારીઓએ કોરોના વાયરસના ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવે તેવી પણ રજુઆત કરી હતી.ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રત્ન કલાકારોને પણ પોતાના વતન સૌરાષ્ટ્ર જવા, સુગર ફેકટરીઓ સાથે સંકળાયેલા શ્રમિકોને વતન જવા માટે પણ મંજૂરી આપવા બાબતે કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત થઈ હતી. આ ઉપરાંત લોકડાઉનના પરિણામે ખેડુતોને થયેલા આર્થિક નુકશાન બાબતે જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ રજુઆત કરી હતી. કેન્દ્રીય ટીમ સાથે શહેરના ડાયમંડ, ટેક્ષટાઈલ, બ્રોકર, એબ્રોઈડરી એસોસિયેશન, સચીન ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષશ્રીઓએ બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રીઓ જુદી જુદી રજુઆતો કરતા જણાવ્યું હતું કે, માર્ચ મહિનાનો પગાર શ્રમિકોને ચૂકવવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રીઝ લાબા સમયથી ફાયનાન્સીયલ ક્રાઈસીસનો સામનો કરી રહી છે. પેમેન્ટ પણ અટવાયા હોવાથી આગામી સમયમાં પુરો પગાર આપી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી શ્રમિકોને લધુતમ વેતન આપવા અંગે નિર્ણય લેવાય તેમજ એમ.એસ.એમ.ઈ. સેકટરને રાહતદરે લોન આપવા તેમજ આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીઝને રાહત મળે તેવી રજુઆતો કરી હતી. તેઓએ જણાવ્યું કે, શ્રમિકો પોતાના વતન જવા માટે વારંવાર રજુઆતો કરી રહ્યા છે. જેથી તેમની માંગણીઓનું નિરાકરણ લાવવાની રજુઆતો તેમણે કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, અટલ બિહારી વાજપાયી ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીસના એચ.ઓ.ડી. ડો. નીલમ રોય, એન.આઇ.ડી.એમ.ના પ્રોફેસરશ્રી ડો.અનિલ કે ગુપ્તા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ સેક્રેટરીશ્રી ડો. ઓ.પી.સિંહ અને હેલ્થ રિસર્ચ મિનિસ્ટ્રીના ડેપ્યુટી સિક્રેટરી શ્રી દોલતરામ મીણા હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500