Tapi mitra News-રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકોની બિનજરૂરી અવર-જવર ચલાવી લેવાશે નહીં. બિનજરૂરી ફરતા વાહનોને લોકડાઉનનો ભંગ ગણી ડીટેઈન કરાશે તેથી નાગરિકોએ કારણ વગર ફરવું નહીં.
લોકડાઉનના અમલ અંગે મીડિયાને માહિતી આપતા શ્રી ઝાએ ઉમેર્યુ કે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે માત્ર ખાનગી વાહનોને જ છૂટછાટ આપવામાં આવી છે પેસેન્જર વાહનોને કોઇ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી ત્યારે લોકડાઉનના અમલ દરમિયાન જો રીક્ષા, ટેક્સી જેવા વાહનો જાહેરમાં ફરતા જોવા મળશે તો આ વાહનોને જપ્ત કરવામાં આવશે.,લોકડાઉનના ચુસ્ત અમલ માટે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ખાસ તકેદારી રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જાહેર સ્થળોએ નાગરિકોની ભીડ જણાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોય તેવા કિસ્સા ધ્યાને આવે તો નાગરિકોએ જાગૃતિ દાખવી ૧૦૦ નંબર પર કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી. આવી વિગતોની પોલીસને જાણકારી મળશે તો તેને રોકવા પોલીસ ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરશે. લોકડાઉનમાં આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે જે વાહનોને મુક્તિ અપાઇ છે તેવા વાહનનો દુરુપયોગ થતો હોવાનો એક કિસ્સો આજે બોટાદ માં જોવા મળ્યો છે જેમાં દૂધ વિતરણ માટેની પરમીટ વાળા વાહનમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું ધ્યાને આવતા વાહન ચાલક સામે ગુનો નોંધીને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
શ્રી ઝાએ ઉમેર્યું કે વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 363 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 8,910 ગુના દાખલ કરીને 17,768 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 62 ગુના નોંધીને 69 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 1,691 ગુના નોંધી 2,638 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 291 ગુનાઓ દાખલ કરીને 504 લોકોની અટકાયત કરાઇ છે. આ જ રીતે, સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં 22 અને અત્યારસુધીમાં કુલ ૪૭૯ ગુના દાખલ કરીને 938 આરોપીની અટકાયત કરી છે. અત્યારસુધીમાં વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 913 અને 537 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 334 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, તા.25/04/2020 થી આજ સુધીમાં કુલ 2,715 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 962 તથા 506 અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી 4183 ગુનાઓમાં કુલ 5,390 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. લોક ડાઉનના ભંગ બદલ 10,488 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગત રોજ 5,678 વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ 1,14,950 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500