Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૪મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આજે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૫૫ થઇ છે. ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે ૧૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આજે નાનપુરાના દર્દી સવિતાબેન નગરનું અવસાન થયું છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૧૯૨ કેસો છે. કુલ ૯૫૧૧ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૫૫ પોઝિટીવ કેસો નોંધાયા છે. રેપિડ એન્ટી બોડી ટેસ્ટીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં એક પોઝિટીવ કેસ નોંધાયો છે. કુલ ૧૪ જેટલા ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૬૬૫ ટીમો દ્વારા આજ સુધી ૧,૭૧,૮૫૪ ઘરો તેમજ ૬,૩૨,૩૪૮ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, પોઝિટીવ કેસોનું પ્રમાણ ઘટાડવા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું યોગ્ય અને ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતાં સિનીયર સિટીઝન- વૃદ્ધ શહેરીજનોના આરોગ્યની કાળજી રાખવા ‘વડીલોને વંદન’ અભિયાન શરૂ કરવામાં આવે અને શહેરીજનો તેમાં જોડાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. બશહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૪૩૩૮ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૯૭,૯૭૩ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે.
શ્રી પાનીએ કહ્યું કે, આગામી દિવસોમાં ફૂડ પેકેટના સ્થાને ડ્રાય રેશન વિતરણ કરવાની યોજના છે. ઉપરાંત સુરતવાસીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા શહેરના જાહેર સ્થળોએ આયુર્વેદિક ઉકાળો વિતરણ કરવામાં આવશે. આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૦૮ લાખ જેટલા લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૧૬ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૪૫૫ અને જિલ્લાના ૧૬ મળીને કુલ ૪૭૧ કેસો નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500