Tapi mitra News-મહિલાઓની સંકટ સમયની સાંકળ સાબિત થયેલી અભયમ હેલ્પલાઈનની ઉમદા કામગીરીનો વધુ એક કિસ્સો સુરતના ઉન ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઉન ગામથી એક પરણિતાનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો કે, મારા પતિ મકાન ખરીદવા મારા સોનાના દાગીના વેચવા દબાણ કરે છે, જેનો મેં ઇન્કાર કરતાં મને ઘરમાંથી કાઢી મૂકી છે જેથી સહાય કરવા જણાવતા ઉમરા પોલિસ સ્ટેશન સ્થિત રેસ્ક્યુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. દંપતિનો આપસી મામલો હોવાથી મહિલા અને તેમના પતિને સમજાવી શાંત પાડવામાં સફળતા મળી હતી.
સમગ્ર ઘટનાક્રમ મુજબ ઉન ગામની ઉજાસ રેસિડેન્સીમાં ભાડેથી રહેતા મંજુલાબેનનું પિયર ભાવનગર છે. (નામ અને સ્થળ બદલ્યું છે) તેઓ સુરત પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહે છે. તેમના પતિ નવું મકાન ખરીદવા માંગતા હોવાથી નાણાકીય વ્યવસ્થા કરી રહ્યા હતા. પરંતુ તેમની પાસે પૂરતી રકમ ના હોવાથી તેમના પત્નીને પિયર તરફથી મળેલા કરિયાવરના સોનાના દાગીના વેચવાનું દબાણ કરી રહ્યા હતા. પરંતુ મંજુલાબેને સ્પષ્ટ ઇન્કાર કરતાં ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા. ગઈ કાલે આ જ મુદ્દે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પતિએ મંજુલાબેનને મારમારી તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અને જણાવ્યું કે ‘દાગીના આપવા હોય તો જ ઘરમાં આવજે’. આથી મંજુલાબેને મદદ માટે અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરી સમગ્ર વિગતો જણાવી. અભયમ ટીમે મંજુલાબેન અને તેમના પતિને શાંતિથી સમજાવ્યુ કે, દંપતિએ એકબીજાના પુરક અને અનુકૂળ થવું જોઈએ. એકબીજાના સુખદુઃખ અને પરિવાર તેમજ સમાજની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. કરિયાવરમાં પત્નીને મળેલા દાગીના પર તેનો પોતાનો હક્ક છે, હક્ક છીનવી લેવા માટે દબાણ કરી શકાય નહીં. મકાન ખરીદવા માટે કરકસર કરી બચત કરવી જરૂરી છે. નાણાંની વ્યવસ્થા થાય ત્યારે જ મકાન ખરીદવું જોઈએ. આ ઉપરાંત તેમના માતા પિતા પાસેથી પણ મદદ મેળવી શકાય. ઘણી બેંકો અને ગૃહ ફાયનાન્સ કંપની પણ મકાન ખરીદવા માટે લોન આપે છે, તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાગીના વેચીને ઘર ખરીદવા કરતાં બચત અને બેંકલોનથી પણ મકાન લઇ શકાય છે એમ શાંતિથી સમજાવતા મંજુલાબેનના પતિને પોતાની ભૂલ સમજાઈ હતી, અને હવે પછી પત્નીને કોઈ હેરાનગતિ નહીં કરે તેની ખાત્રી આપી હતી. આમ, ઘી ના ઠામમાં ઘી પડી જતાં મામલો શાંત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application