Tapi mitra News-કોરોનાની મહામારી વચ્ચે દિન-રાત ખડેપગે રહીને દર્દીઓની સેવા કરતા ડોકટરમિત્રો અભિનંદનને પાત્ર છે. ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફે કોરોના સામે મોરચો માંડ્યો છે, ત્યારે સુરત જિલ્લાના છેવાડાના વનવાસીઓની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના કેવડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.ભાવેશ એચ.મિસ્ત્રી તથા તેમની ૪૮ સાથી આરોગ્ય સેનાનીઓની ટીમ જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ આદિવાસી બહુલ આ વિસ્તારના લોકોની સેવાસુશ્રુષામાં ખડેપગે રહી કોરોનાની સાથોસાથ અન્ય બિમારીઓથી રક્ષણ આપી ઉમદા સેવા બજાવી રહ્યા છે. જે બદલ વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તેમની સેવાને બિરદાવીને અભિનંદન પત્ર પાઠવીને શુભકામનાઓ પાઠવી છે.
નોવેલ કોવિડ-૧૯ની કોરોના વાઇરસની મહામારીના સમયમાં રાજ્ય સરકારે જનસુખાકારી અને સ્વાસ્થ્યને અગ્રિમતા આપી છે, તેમજ વડાપ્રધાનશ્રીએ તેમના રાષ્ટ્રીય સંદેશમાં આપેલા "જાન હૈ, તો જહાંન હૈ" ના સૂત્રને ચરિતાર્થ કરતાં હોય એમ ડો. ભાવેશ મિસ્ત્રીની રાહબરી હેઠળ તેમના ૪૮ સાથી આરોગ્ય સેનાનીઓ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર આ વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્ય માટે દિવસ રાત પૂર્ણકાલીન સેવાઓ ઉમરપાડા તાલુકાના કેવડી પી. એચ. સી. ખાતે આપી ખભેખભા મિલાવી સારવાર કરી રહ્યા છે. કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ૨૦ ગામની ૨૩૦૧૪ જેટલા વનબાંધવોનો ઘરે ઘર જઈએ સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, ઘર તથા શૌચાલયની સાફ સફાઈ, વારંવાર હાથ ધોવા જેવા કોરોના સામે તકેદારીઓના પગલાઓ લેવા માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ૨૦થી વધુ ગામડાઓના ગરીબ આદિવાસી ભાઈ-બહેનો બિમાર પડે છે ત્યારે કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમના માટે આશિર્વાદરૂપ બને છે. આદિવાસી બંધુઓ પી.એચ.સી.ની આરોગ્ય સેવાથી સંતોષ વ્યક્ત કરે છે. ડો.ભાવેશ મિસ્ત્રીએ પોતાના સાલસ સ્વભાવ અને સચોટ નિદાન અને સારવાર કરવાની આવડતથી આસપાસના ગામોમાં આગવી ઓળખ ઉભી કરી છે. હાલ રોજના ૧૫૦ જેટલા દર્દીઓ પી.એચ.સી.ની મુલાકાત લઈને પોતાના દર્દમાંથી મુક્તિ મેળવે છે.
ડો. ભાવેશની સેવાને મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ સરાહના કરીને અભિનંદનપત્ર પાઠવ્યો છે. આસપાસના લોકોને જરૂરી તબીબી સારવાર માટે દૂર દૂર જવું પડતું હતું, આ સમસ્યાથી તેમનો છુટકારો થયો છે. લોકોને ઘરઆંગણે નિદાન સારવારની સેવા ઉપલબ્ધ થતાં આર્થિક સંકડામણમાંથી છુટકારો મળ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની વનવાસી જનતા માટે ડૉ. ભાવેશ મિસ્ત્રી અને ૪૮ આરોગ્યકર્મીઓ ગુણવત્તાયુક્ત સારવારનો પર્યાય બની ચૂક્યા છે. હાલ ઉમરપાડા તાલુકાના કેવડી ગામે બે દર્દીઓના કોરોના પોઝીટીવ આવ્યા છે. આ દર્દીઓના ૧૭ સભ્યોને અલગથી હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના વધુ ન ફેલાય તેમજ સરકારના દિશાનિર્દેશોનું પાલન થાય તે માટે સ્થાનીય ગ્રામજનો અને દર્દીઓના પરિવારો તંત્રને સંપૂર્ણ સહકાર આપી રહયા છે.
(અહેવાલઃ મહેન્દ્ર વેકરિયા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application