Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના "સખી વન સ્ટોપ સેન્ટર" દ્વારા રસ્તે રઝળતી ૧૭ વર્ષીય અબોલ કિશોરીને તેના માવતર સાથે પૂન:મિલન કરાવાયુ 

  • April 23, 2020 

Tapi mitra News-"કોરોના" ને કારણે પ્રવર્તતી "લોકડાઉન"ની સ્થિતિ વચ્ચે અટવાયેલી અબોલ કિશોરી માટે વ્યારાનું "સખી વન સ્ટોપ સેન્ટર" આશીર્વાદ રૂપ બનવા પામ્યું છે. ગત તા.૭મી એપ્રિલના રોજ સોનગઢ તાલુકાના ગુનખડી ગામેંથી ૧૭ વર્ષીય કિશોરી એકલી રખડતી રઝળતી હાલતમાં ૧૮૧-અભયમ ને મળી આવી હતી, જેને વ્યારાના "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે લવાતા, તેણીને ખૂબ જ સંવેદનશીલતા સાથે તેના માવતર ભેગી કરવામાં આવી છે.
૧૮૧-અભયમ મારફત "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે રીફર કરાયેલા આ કેસમાં યુવતીને જરૂરી તબીબી સહાય પુરી પાડી આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કિશોરીના કાઉન્સેલિંગ દરમિયાન તેણી બોલી શકતી નહિ હોવાનું સેન્ટરના ધ્યાનમાં આવ્યું હતું. કિશોરીના કપડા, પહેરવેશ અને વર્તન પરથી તે ડાંગ જિલ્લાની હોઈ શકે તેવુ ફલિત થતા, સેન્ટર દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનો અને ત્યાર બાદ આહવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો હતો. આ ઉપરાંત આ કેસમાં "સખી વન સ્ટોપ સેન્ટર" દ્વારા ૧૦૯૮-ચાઈલ્ડ હેલ્પ લાઈનની પણ મદદ લેવામાં આવી હતી. જેને કારણે આ કિશોરીનું નામ, સરનામુ મેળવી, ડાંગ જિલ્લાના તેણીના ગામના સરપંચનો સંપર્ક સાધી, યુવતીના માતાપિતા સાથે વાતચીત કરીને, સંપૂર્ણ ખાતરી કર્યા બાદ આ કિશોરીને તેણીના ઘર સુધી જઈને માતાપિતાને સોંપવામાં આવી હતી. આમ, વ્યારાના "સખી વન સ્ટોપ સેન્ટર" ના સંવેદનશીલ અભિગમને કારણે, એક ૧૭ વર્ષીય અબોલ કિશોરીનું, તેણીના માવતર સાથે પૂન:મિલન થવા પામ્યું છે, એમ સેન્ટરના એડમિનિસ્ટ્રેટર અમિતા ગામીત દ્વારા જણાવાયું છે. "લોકડાઉન" ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લાના પ્રજાજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા અનેકવિધ કર્યો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે એક અટવાયેલી યુવતીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને ૧૮૧-અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, વ્યારા અને આહવા પોલીસ સ્ટેશન તથા કિશોરીના ગામના સરપંચશ્રીએ સહિયારા પ્રયાસોથી એક પરિવારની ગુમસુદા દીકરીને ઘરે પહોંચાડતા તેના પરિવારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જે માટે અમારું સેન્ટર નિમિત્ત બન્યું તેનો અમને આનંદ છે, તેમ પણ અમિતા ગામીતે વધુમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application