Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૨મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આજે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૩૯૯ થઇ છે. ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે ૧૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરતમાં અમરોલીને ૧૪મા નવા ક્લસ્ટર તરીકે જાહેર કરાયું છે. અમરોલીમાં નવા કેસો મળવાના કારણે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. કુલ ૮૧૭૬ કોમ્યુનિટી સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને કુલ ૯૧૧૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૩૯૯ પોઝિટીવ કેસો નોંધાયા છે. અમરોલી સહિત કુલ ૧૪ જેટલા ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ દ્વારા સઘન ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે શહેરના ખાનગી ડોક્ટરોને ‘કોવિડ કમાન્ડો’ રૂપે આરોગ્ય વિભાગને સહયોગી બનવા અપીલ કરાઈ છે. આ પહેલ અંતર્ગત શહેરના મેયર ડો. જગદીશભાઈ પટેલ કે જે પોતે એક તબીબ પણ છે, તેમણે ‘કોવિડ કમાન્ડો’ની પહેલમાં જોડાઈને અન્ય ખાનગી તબીબો માટે પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેઓ સ્મીમેર હોસ્પિટલમાં તબીબી સેવા આપશે અને સ્મીમેરના વ્યવસ્થાપનમાં સહાયરૂપ બનશે એમ જણાવી તેમણે મેયરશ્રીને અભિનંદન આપ્યા હતા.
શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૪૩૨૦ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૮૫,૧૧૯ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે.
શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૭.૮૮ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની તમામ સામાજિક સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પાલિકાને કુલ ૧,૯૫,૭૬૫ કિલો ખાદ્યસામગ્રી અને રૂ.૭.૮૮ કરોડનું દાન પ્રાપ્ત થયું છે. તેમણે શહેરીજનોને લોકડાઉન તેમજ કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500