Tapi mitra News- “કોરોના”ને લઈને અપાયેલા “લોકડાઉન” દરમિયાન તા.20મી એપ્રિલથી ભારત સરકારની ગાઈડ લાઇન અને દિશાનિર્દેશ અનુસાર, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પણ રાજયમાં કેટલાક ઉદ્યોગ, ધંધાઓને શરતી મંજૂરી આપી, કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે મુજબ તાપી જિલ્લાના ઉદ્યોગો માટે વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લાના ઉદ્યોગકારો સહિત સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી, સરકારશ્રીના જાહેરનામાની જોગવાઇઓની વિષદ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.કલેક્ટર શ્રી હાલાણીએ આ અગાઉ જે ઉદ્યોગો ગૃહોને તેમની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, તેમણે ફરીથી પરવાનગી લેવાની આવશ્યકતા નથી તેમ જણાવી, ઉદ્યોગ ગૃહોની મુશ્કેલી, સમસ્યાઓની જાણકારી મેળવી હતી. ઉદ્યોગ ગૃહોમાં કામ કરતાં કામદારોને જરૂર પડ્યે આવવા-જવા માટેની પરવાનગી, ઓળખકાર્ડ અપાશે તેમ જણાવી શ્રી હાલાણીએ તા.20 4 2020થી શરૂ કરાનાર ઉદ્યોગ ગુહોને તૈયારીઓ બાબતે કોઈ અગવડ પડે, તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.બેઠકમાં વ્યારા ટાઇલ્સ-વ્યારા, સંકલ્પ પેપર મિલ-વાલોડ, જે.કે.પેપર મિલ-સોનગઢ, હિલ લી. ગોલણ (વાલોડ), ભાવસાર કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇંડસ્ટ્રીઝ-વ્યારા, રેખા ગૃહ ઉદ્યોગ-સોનગઢ, એન.એચ.એક્ષપોર્ટ-વ્યારા સહિતના ઉદ્યોગ ગૃહોના સંચાલકોએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ સભાળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500