Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૪મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૩૮૬ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૩૩૯ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૪૫ પોઝીટિવ અને ૦૨ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે સુરતમાં ૩૩ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી ૧૪ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે સાત નવા ક્લસ્ટર નિર્ધારિત કરવામાં આવ્યાં છે. રાંદેર, ઝાંપાબજાર, લોખાત હોસ્પિટલ સહિત ૧0 ક્લસ્ટરમાં ૬૮ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમોના ૧૧૮ કર્મચારીઓ દ્વારા ક્લસ્ટર હોટસ્પોટમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રેડ, યેલો અને ગ્રીન ઝોનમાં એક્ટિવ સર્વેલન્સ થાય તે માટે ૫૮૧ ટીમોની રચના કરવામાં આવી છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ કુલ ૩૦૮૦ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૨૭૦ સરકારી અને ૧૩ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ ૩૩૬૩ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. શહેરના કોઈ વિસ્તારમાં સર્વેલન્સ કે ટ્રેસિંગની જરૂર જણાય તો શહેરીજનો પાલિકાના હેલ્પલાઇન નં. ૧૮૦૦ ૧૨૩ ૮૦૦ પર સંપર્ક કરીને જણાવી શકે છે. પાલિકાના ૧૧ રિલીફ સેન્ટરોમાં ૮૦૦ વ્યક્તિઓ આશ્રયમાં છે. પ્રતિદિન ૫.૫૦ લાખ લોકોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ૧૨૩૯ દિવ્યાંગ અને વૃદ્ધ ઘર બેઠાં ભોજન આપવામાં આવે છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન અંતર્ગત લોકડાઉન વધારવામાં આવ્યું છે, જેને સહકાર આપવાનો અનુરોધ કરતાં મ્યુ. કમિશનરશ્રીએ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
high light- શહેરમાં કોરોનાના કુલ ૩૮૬ શંકાસ્પદ, ૩૩૯ નેગેટિવ, ૪૫ પોઝીટિવ અને ૦૨ રિપોર્ટ પેન્ડીંગ છે:મ્યુ.કમિશનર બંછાનિધિ પાની
high light-શહેરના કોઈ વિસ્તારમાં સર્વેલન્સ કે ટ્રેસિંગની જરૂર જણાય તો શહેરીજનો પાલિકાના હેલ્પલાઇન નં. ૧૮૦૦ ૧૨૩ ૮૦૦ પર સંપર્ક કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500