Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાઇરસના કપરા સમયમાં સૌને સરળતાથી માસ્ક પ્રાપ્ય બને એ માટે નવસારીના સખી મંડળોની બહેનોએ કોટન માસ્ક બનાવવા આગળ આવી

  • April 14, 2020 

Tapimitra News-દેશભરમાં કોરોના વાયરસને પગલે સ્વાસ્થ્યની તકેદારી રાખવાનાં ભાગરૂપે ફરજિયાતપણે માસ્ક પહેરવું જરૂરી છે. કોરોના સંકટમાં માસ્કની માંગમાં ઉછાળો આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ કાપડમાંથી ઘરે બનેલા થ્રી લેયર માસ્ક પણ આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત છે એમ જણાવ્યું છે, ત્યારે કોરોના વાઇરસના કપરા સમયમાં સૌને માસ્ક મળી રહે એ માટે નવસારી જિલ્લાના સખી મંડળોની બહેનોએ કોટન માસ્ક બનાવવા આગળ આવી છે. નવસારી જિલ્લાના તલંગપોર, દાંડી, સમાપોર જેવા ગામના વિવિધ ૦૫ જેટલા સખીમંડળોની ૧૦૦ થી વધુ બહેનો માસ્ક સિવવાનું કામ કરી રહી છે. જેમાં સ્માર્ટ સહેલી સ્વસહાય જૂથ, ચેતના સખી મંડળ, શ્રી શંભુ સખી મંડળ, જય શક્તિ સખી મંડળ, વિહત સખી મંડળની બહેનો દરરોજ ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા માસ્ક બનાવી રહ્યા છે. પ્રત્યેક સખી મંડળમાં ૧૫ થી ૨૦ મહિલા સભ્યો છે. માસ્કની કામગીરીમાંથી પ્રત્યેક મહિલાને દૈનિક રૂ.૪૫૦ થી ૫૦૦ જેટલી રોજગારી મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારની બહેનોને સ્વરોજગારી મળે એ માટે નવસારીના સખીમંડળોને 'શક્તિ ફાઉન્ડેશન'ના ડો.સોનલબેન રોચાની દ્વારા કોટન માસ્ક બનાવવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે. તેમની પ્રેરણા અને વેચાણ માટેની સહાયથી સખીમંડળની બહેનોએ રાજ્યની માસ્કની જરૂરિયાત પૂર્ણ કરવાં કોટન, વોશેબલ અને રિ-યુઝેબલ માસ્ક બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની બહેનોને તાલીમ આપનાર ડો.સોનલબેન રોચાનીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં માસ્કની માંગ વધી છે. આવા સમયે દેશ અને રાજ્યમાં માસ્કની જરૂરિયાત ઊભી થઇ છે, જેથી માસ્કની આપૂર્તિ કરી શકાય અને નવસારી જિલ્લાના ગામોના સખી મંડળોની બહેનોને કોટન માસ્કની કામગીરીના કારણે રોજગારી મળે તે હેતુથી બહેનોને તાલીમબદ્ધ કરી માસ્ક બનાવવામાં આવે છે. જેમાંથી બહેનો સારી એવી રોજગારી મેળવી પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થઇ રહી છે. માસ્કના ઓર્ડર અને વેચાણ કરવામાં શક્તિ ફાઉન્ડેશન મદદ કરે છે. હાલમાં ઓ.એન.જી.સી. દ્વારા બલ્કમાં માસ્કનો ઓર્ડર મળ્યો છે, આ ઉપરાંત વિવિધ સોસાયટીના પ્રમુખ, કંપનીના માલિકો, હોસ્પિટલ અને વિવિધ સંસ્થાઓ પણ વિતરણ માટે અમારી પાસેથી વ્યાજબીભાવે માસ્ક ખરીદે છે એમ તેમણે ઉમેર્યું હતું.વૈશ્વિક કોરોના વાઈરસની મહામારી સામેની લડાઈમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આરોગ્ય માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરી નાગરિકોના આરોગ્યની કાળજી લીધી છે, ત્યારે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા અને પોતાની તેમજ અન્યની સુખાકારી માટે માસ્ક અચૂક પહેરવું જોઈએ. હાલ કોરોનાની મહામારીના વિકટ સમયમાં મોં તેમજ શ્વાસોચ્છવાસ દ્વારા વાયરસને ફેલાતો અટકાવવા માસ્ક કારગર શસ્ત્ર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application