Tapimitra News-WHO દ્વારા વૈશ્વિક મહામારી તરીકે ઘોષિત કરાયેલ "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર તમામ વિભાગો ખભે ખભા મિલાવીને રાતદિવસ કામ કરી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના મુખ્ય વહીવટી મથક વ્યારાની નગરપાલિકા પણ, ખડે પગે રહીને જાહેર સુખાકારી માટે ઝઝુમી રહી છે.
વ્યારા નગરપાલિકાના કર્મયોગીઓ દ્વારા નગરના સાતેય વોર્ડના તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો, શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં પણ પ્રથમ રાઉન્ડની સેનિટાઈઝનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વ્યારા નગરમાં હાથ ધરાયેલી આ કામગીરી માટે ૮૦,૦૦૦ લીટર પાણી સાથે દવાનું દ્રાવણ તૈયાર કરી તેનો સ્પ્રે દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે. સાતેય વોર્ડ ઉપરાંત નગરમાં આવેલી સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન અને પોઇન્ટ્સ, સરકારી ક્વાર્ટર્સ, ધાર્મિક સ્થળો વિગેરે જગ્યાએ પણ આ દ્રાવણનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ તમામ સ્થળોએ બીજા રાઉન્ડની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા ૨ જેટિંગ મશીન, અને ૨ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમ જણાવતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સુરેશ રાણાએ, નગરના તમામ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા ફોગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તેમ જણાવ્યું છે.વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ તથા નગર પ્રમુખ શ્રી મહેરનોષ જોખીના માર્ગદર્શન હેઠળ પાલિકાના ૧૦ ચુનંદા કર્મયોગીઓ સહિત સફાઈ અને જંતુનાશક દવાના છંટકાવ માટે ૭૦ જેટલા કર્મયોગીઓ સેવા બજાવી રહ્યા છે, તેમ પણ શ્રી રાણાએ વધુમાં ઉમેર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500