Tapi mitra News-"કોરોના"ના કહેરની કપરી ઘડીમાં સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે અનેક સેવા સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ, જુદા જુદા ક્ષેત્રે ખભેખભા મિલાવીને તેમનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે મહિલા સશક્તિકરણના ઉચ્ચત્તમ ધ્યેય સાથે કાર્યરત કરાયેલા તાપી જિલ્લાના ગ્રામીણ મહિલા સખી મંડળો પણ ફેસ માસ્ક તૈયાર કરીને આ કપરા સમયમા જરૂરિયાતમંદોની વ્હારે આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરફથી મળેલી વિગતો અનુસાર તાપી જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત કાર્યરત કરાયેલા સખી મંડળો પૈકી વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નીઝર અને સોનગઢ તાલુકાઓના કુલ 13 જેટલા સખી મંડળોને ફેસ માસ્ક તૈયાર કરવાની તાલીમ આપીને, તેમને આ આવશ્યક જરૂરિયાત પૂરી પાડવાનો અવસર પૂરો પાડવામાં આવ્યો છે. જે મુજબ આ ગ્રામ્ય સખી મંડળોની ગ્રામીણ બહેનો દ્વારા માંગ મુજબ 10 હજાર જેટલા ફેસ માસ્કનો જથ્થો તૈયાર કરી, જરૂરિયાતમંદોને પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે.જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી કૂ. નેહા સિંઘના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ અને આંબીયા, નિઝર તાલુકાના નવલપુર, ડોલવણ તાલુકાના ઉમરકચ્છ અને પાટી, સોનગઢ તાલુકાના ગોપલપૂરા અને નિશા, તથા ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ ગામના કુલ 13 જેટલા સખી મંડળો જરૂરિયાત મુજબ યુદ્ધના ધોરણે ફેસ માસ્ક તૈયાર કરવા માટે સજ્જ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500