TapiMitra News-વૈશ્વિક મહામારી "કોરોના" નો સામનો કરી રહેલા દેશના પ્રજાજનોને, લોકડાઉન દરમિયાન કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે સેવા બજાવી રહ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ અનુસાર, જિલ્લાના પ્રજાજનો માટે અનેકવિધ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે મુજબ તાપી જિલ્લામાં વ્યારા,વાલોડ અને સોનગઢ ખાતે શેલ્ટર હોમની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર (૧) વ્યારા ખાતે શ્રી અટલ બિહારી આશ્રય સ્થાન, ગાંધી બાગ ખાતે, (૨) વાલોડ તાલુકામાં વેડછી વિદ્યાપીઠ ખાતે, અને (૩) સોનગઢ ખાતે જૂની સિટી સર્વે કચેરી ખાતે શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લામાં શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી આવશ્યક ચીજવસ્તુઓની અગવડ ન પડે તે માટે શાકભાજી અને અનાજ કરિયાણાનું વહન કરતા વાહનો તથા વ્યક્તિઓને કુલ ૪૭૯૧ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેથી આવી ચીજવસ્તુઓનું પરિવહન નિર્વિઘ્ને કરી શકાય. સાથે જિલ્લાની ૧૬ જેટલી દુકાનોને હોમ ડીલીવરી માટે પણ મંજૂરી આપવામાં આવી છે. શાકભાજીના વેચાણ માટે જિલ્લામાં અલગ અલગ ઠેકાણે વેચાણ કેન્દ્રોની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જે મુજબ ખુશાલપુરા, ગડત, ડોલવણ, મદાવ, કટાસવાણ, ખોડતળાવ, પનિયારી, બંધારપાડા, ટોકરવા ચાર રસ્તા, લીંબી, અને પીપળકુવા ખાતે શાકભાજીની વેચાણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શાકભાજી તથા અન્ય ખેત પેદાશો ગ્રામ્ય વિસ્તારમાંથી એ.પી.એમ.સી. કે વેચાણ કેન્દ્રો સુધી લાવવા-લઈ જવામાં ખેડૂતો કે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જેનો ટેલિફોન નમ્બર ૦૨૬૨૬-૨૩૦૩૬૫ છે. તાપી જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓની વાત કરીએ તો અહીં, સદનસીબે અત્યાર સુધી એક પણ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો નથી. આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સ્ક્રિનિંગ ની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૯૪ % કુટુંબોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરહદી જિલ્લાની બોર્ડર ઉપર પણ આરોગ્ય કર્મીઓને ફરજ નિયુક્ત કરીને, આવતા જતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે ૫૦ બેડની એક ખાનગી હોસ્પિટલ (રિધમ હોસ્પિટલ) તથા ૫૦ બેડની એક સરકારી હોસ્પિટલ મળી કુલ ૧૦૦ બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. જેનો ટેલિફોન નમ્બર ૦૨૬૨૬-૨૨૦૪૫૩ છે. જેનો જરૂરિયાતમંદો લાભ લઇ શકે છે.દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે તાપી જિલ્લામાં પણ સી.આર.પી.સી.ની કલમ ૧૪૪નું જાહેરનામું જારી કરી, તેની અમલવારી કરવામાં આવી રહી છે. આ જાહેરનામનું જિલ્લામાં ક્યાંય પણ ઉલ્લંઘન ન થાય, તથા સોશિયલ ડિસ્ટન્સ સુપેરે જળવાઈ રહે તે માટે ઠેર ઠેર પોલીસના જવાનો ફરજ નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તાપી પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી, ૧૭ જેટલા વાહનોને સિઝ કરવામાં આવ્યા છે. "કોરોના" ની આફતને પહોંચી વળવા માટે જરૂરી સાધન સુવિધાઓનો વ્યાપ વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં, તાપી જિલ્લામાંથી અત્યાર સુધીમાં જુદી જુદી સંસ્થા/દાતાઓ તરફથી કુલ ₹ ૨,૦૧,૦૦૦/- નું દાન કલેકટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આમ, "કોરોના" ની દહેશત વચ્ચે તાપી જિલ્લાના સંવેદનશીલ વહીવટી વડા એવા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ, સંબંધિત વિભાગોએ ખભેખભા મિલાવીને, પ્રજાકિય સ્વાસ્થ્યની જાળવણીનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે, ત્યારે લોકડાઉન સહિતના તમામ સરકારી સુચનોનું ચુસ્તપણે પાલન કરીને, આ મહામારીને અટકાવવાના સરકાર અને વહીવટી તંત્રના પ્રયાસોમાં, પ્રજાજનો પણ સ્વયં શિસ્ત સાથે તેમનું યોગદાન આપે તે આવશ્યક છે, તેમ કલેકટર શ્રી આર.જે.હાલાણીએ અપીલ કરતા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500