tapimitra news-વ્યારા:તાપી જિલ્લામાં કોરોના વાયરસ સામે વ્યાપક અને સંકલિત તકેદારી માટે જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાપી જિલ્લામાં કોરોના વાયરસ બાબતે તમામ સ્તરે સઘન પગલા લેવા માટે નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારની સૂચનાઓ અને જાહેરનામાની જાણકારી આપવાની સાથે વ્યાપક અને સંકલિત તકેદારીના પગલાંની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં તેમણે જણાવ્યું કે, માસ્ક અને સેનેટાઈઝરસનો સરકારે આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કર્યો છે. એટલે તેનો સંગ્રહ ,નિર્ધારિત કરતા વધુ ભાવે વેચાણ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે. એનો સ્ટોક જાહેર કરવો પડશે. આ સંદર્ભમાં તોલમાપ વિભાગની સાથે ખોરાક અને ઔષધ તંત્રને સઘન કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને આ બાબતમાં રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા, લોકોને ખાસ કરીને બાળકો સાબુ કે પ્રવાહી સાબુથી વારંવાર હાથ ધોવે એ માટે જાગૃત કરવા, તાવ, શરદી ખાંસી પીડિત બાળકોનું વિશેષ ધ્યાન રાખી તકેદારી રાખવા જણાવ્યું હતુ. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ફ્લૂ કોર્નર બનાવી તાવ,શરદી ખાંસી કફની તકલીફો ધરાવનારાઓની અલાયદી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનો વિષયક જાગૃતિ માટે વ્યાપક પ્રચાર-પ્રસારમાં વધારવાની સાથે તબીબી આલમમાં પણ જરૂરી તાલીમ અને સતર્કતા કેળવવામાં મદદરૂપ બનશે એમ જણાવી કુ.નેહાસિંઘે ખાનગી તબીબી સંસ્થાઓ પણ આઇસોલેશનની પૂરતી વ્યવસ્થા રાખે એવો અનુરોધ કર્યો. સરકારના જાહેરનામા પ્રમાણે સોશીયલ મીડિયા, માધ્યમો કે અન્ય કોઈ રીતે કૉરોના વિષયક ખોટી માહિતી કે અફવા ફેલાવનાર કાયદેસરની કાર્યવાહી પાત્ર છે. એટલે તમામને આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહી સહયોગ આપવા અનુરોધ કર્યો છે. જરૂરિયાતના સંજોગોમાં તાવ વિષયક વિશેષ હેલ્પ લાઈન ૧૦૪ સેવાનો સંપર્ક અને ઉપયોગ કરવા અનુરોધ કરવાની સાથે તાવ,ખાંસી,કફ,વહેતું નાક,માથા અને ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી તકલીફો જણાય તો સત્વરે તબીબી સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળાવડા,સભાઓ, વર્ક્શોપ યોજવા જેવી બાબતોમાં સરકારની સૂચનાઓનો અમલ કરવા ખાસ અનુરોધ કર્યો છે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા લેવામાં આવી રહેલ સતર્કતાના તમામ પગલાંની જાણકારી આપી હતી. ખાસ કરીને વિદેશથી આવ્યા હોય અને ઉપરોક્ત લક્ષણો હોય તો ત્વરિત સારવાર સંપર્ક કરવા અને તેમના સંપર્કમાં આવેલાને પણ તકેદારી હેઠળ આવરી લેવા જણાવવામાં આવ્યું હતું. જાહેરમાં થુંકનાર વ્યક્તિઓને રુ.૫૦૦ સુધીનો દંડ કરીને થુંકમુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500