Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:રાજ્યનું સૌપ્રથમ અસામાન્ય ઓપરેશન કરી મહિલાને વર્ષોજૂની યુરિન લીકેજની સમસ્યાથી છૂટકારો અપાવ્યો

  • March 12, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:કહેવાય છે કે,વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય,પરંતુ રાત્રે ઘસઘસાટ ઊંઘી શકતો ન હોય તો એની ધનસંપતિ કોઈ કામની નથી. પૈસાથી મોટા ભાગની સુખ સુવિધાઓ ખરીદી શકાય, પણ શાંતિ અને ચેનવાળી નિંદર ખરીદી શકાતી નથી. સ્વ.કવિ, લેખક ચંદ્રકાંત બક્ષીએ લખેલું કે, ‘ જો હું ખડખડાટ હસી શકતો હોઉં, અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં તો થેંક યુ ગોડ, તેં મને મારી યોગ્યતા કરતાં ઘણું વધારે આપી દીધું છે.’ કલ્પના કરો કે, કોઈ વ્યક્તિ લાગલગાટ ૧૪ વર્ષ સુધી સરખી રીતે ન ઊંઘી શકે તો? દરરોજ રાત્રિએ ૬ કલાકની ઊંઘ દરમિયાન દર કલાકે કોઈ તમને ઊંઘ માંથી ઉઠાડે તો? માનસિક અને શારીરિક હાલત બદથી બદતર થઇ જાય અને દૈનિક જીવનશૈલી ખોરવાઈ જાય. જેની કલ્પના કરવી મુશ્કેલ હોય,એવી ઘટનાઓ હકિકતમાં પણ બનતી હોય છે. યુ.કે.ના લંડનમાં રહેતી એન.આર.આઈ. મહિલાની ૧૪-૧૪ વર્ષથી નિંદર વેરણ બની ગઈ હતી. છેલ્લાં ૧૪ વર્ષથી યુરિન લિકેજની જટિલ બિમારીથી પીડાતી અમદાવાદની આ મહિલાને સુરતની મહાવીર હોસ્પિટલમાં ફરજ બજાવતાં સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ રાજ્યનું સૌપ્રથમ કહી શકાય એવું ‘ઇન્ટ્રાવેઝાઈકલ બોટ્યુલિનમ ટોક્સિન’ નામનું ટેલિસ્કોપીક ઓપરેશન કરી મહિલાને વર્ષોજૂની સમસ્યાથી છૂટકારો અપાવ્યો છે. સફળ ઓપરેશન પછી મહિલાએ ૧૪ વર્ષ પછી ઘસઘસાટ ઊંઘ માણી હતી. મહિલાને નવજીવન આપનાર ડો. સુબોધ કાંબલે થોડા મહિનાઓ પહેલા જ યુ.કે. થી સુરત સ્થાયી થયા છે. વાત એમ છે કે, મૂળ અમદાવાદના વતની અને યુ.કે.માં રહેતા ૩૭ વર્ષીય એન.આર.આઈ. મહિલા છેલ્લાં ૧૪ વર્ષથી ક્યારેય સળંગ એક કલાકથી વધુ સૂઈ શક્યા નહોતા. ‘urge incontinence’ નામની બિમારીથી પીડાતી વ્યક્તિ યુરિન કંટ્રોલ કરી શકતી નથી. આ મહિલાને આ બિમારીના કારણે દિવસે અને રાત્રે એક એક કલાકના અંતરે પેશાબ માટે ફરજિયાતપણે જવું પડતું હતું. પૂરતી ઊંઘ ન મળવાના કારણે તેમને રોજિંદા જીવનમાં ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓ બિમારીના ઈલાજ માટે ઘણાં ડોકટરોને બદલી ચૂક્યા હતા, અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને દવાઓ પાછળ પૈસાનું પાણી કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આખરે સુરતના ડો. સુબોધ કાંબલેએ મહિલા પર કાપકૂપ વિનાનું સફળ ઓપરેશન કરી સુખ અને ચેનની નિંદ્રાની ભેટ આપી છે. સર્જરી થયા પછી ૧૪ વર્ષના લાંબા સમયગાળા બાદ પ્રથમવાર આખી રાત દરમિયાન તેમને એક પણ વખત ઉઠવું પડ્યું ન હતું. જીવનમાં ઊંઘવું એ પણ સુખ છે, અને આ સુખ ફરી વખત ક્યારે મળશે એની કોઈ શક્યતા તેમને લાગતી ન હતી. પણ હવે મહિલાને નવજીવન મળ્યું હોય એવી અવર્ણનીય ખુશી મળી છે. ઓપરેશન કરનાર ડો.સુબોધ કાંબલેએ આ સર્જરી વિષે જણાવ્યું હતું કે, ‘urge incontinence’ બિમારી વિશ્વના ઘણાં લોકોમાં જોવા મળે છે. ૨૩ વર્ષની ઉમરમાં આ એન.આર.આઈ.મહિલાને બિમારી લાગુ પડી હતી. તેમણે આ બિમારીમાંથી સાજા થવા માટે યુ.કે.માં નિદાન અને સારવાર કરાવી હતી. ભારતમાં આવ્યા બાદ અમદાવાદના એક ડોક્ટર પાસે નિદાન કરાવતાં તેમણે મહિલાની શારીરિક સ્થિતિ અને રોગની ગંભીરતા જોઈ હોસ્પિટલમાં ૧૫ દિવસનું રોકાણ અને મેજર સર્જરી કરવી જરૂરી હોવાનું કહ્યું હતું. બિમારીના કારણે નાસીપાસ થયેલી મહિલાએ જ્યારે ફોન પર અને રૂબરૂ મળી પોતાની સમસ્યા વર્ણવી, ત્યારે ડો.સુબોધ કાંબલેએ મહિલાને સાજી કરી તેને નોર્મલ લાઈફની ફરી વાર ભેટ આપશે એવો વિશ્વાસ આપ્યો હતો. ડો.કાંબલેએ ભારત, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં આ બિમારીના ઈલાજ માટેની વ્યાપક તાલીમ મેળવી હોવાથી તેમની કુશળતા અને અનુભવના કારણે આ કેસને હાથમાં લઈ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આખરે તેમને સફળતા મળી હતી. જીવનમાં સતત વિક્ષેપિત થયેલી આ મહિલામાં નવી ઊર્જાનો સંચાર થયો હતો.   ડો. સુબોધ કાંબલે કહે છે કે, મારા દ્વારા કરવામાં આવેલું આ પ્રકારનું ઓપરેશન આજ સુધી નોર્થ વેસ્ટ ભારત અને ગુજરાતમાં સૌપ્રથમ છે. ઓપરેશન શરીર પર કોઈ પણ વાઢકાપ વિના કરી ટેલિસ્કોપ દ્વારા થઈ શકે છે. સર્જરી બાદ દર્દી થોડા દિવસમાં જ પોતાનું સામાન્ય જીવન ફરી શરૂ કરી શકે છે. હાલમાં તેઓ ઉત્તર અને મધ્ય-ભારત સહિત ગુજરાતના એકમાત્ર યુરોલોજિસ્ટ છે, જે યુરિન લિકેજ માટે ‘ઇન્ટ્રાવેઝાઈકલ બોટ્યુલિનમ ટોક્સિન’ પ્રક્રિયાના નિષ્ણાંત છે. તેમણે વધુમાં કહ્યું કે, યુરિન લીકેજની સમસ્યા માત્ર બાળકોમાં જ નહિ, પણ લાખો પુખ્ત પુરૂષો અને સ્ત્રીઓમાં જોવા મળે છે. ભારતના મોટી સંખ્યામાં સ્ત્રી-પુરૂષો urge and stress incontinence બિમારીથી પીડાય છે. યોગ્ય સારવારના અભાવે આવા દર્દીઓ ઘર, ઓફિસ કે અન્ય સ્થળે દૈનિક પ્રવૃત્તિઓમાં અનેક તકલીફો અને અવરોધો વચ્ચે જીવન ગુજારે છે. ક્યારેક જાહેરમાં પેશાબ થઇ જતાં શરમજનક સ્થિતિમાં મૂકાવું પડતું હોય છે. ભીના કપડાં બદલવાની જરૂર હોય ત્યારે બાથરૂમ ઉપલબ્ધ ન હોય. ઈમરજન્સી વખતે મૂત્રાશયમાં સખત દુ:ખાવો થાય, એવી વિકટ સ્થિતિમાં શરીર પરનો કાબુ જ ન રહે. આવા દર્દીઓને ઇલાજ કરાવવો છે, પરંતુ ઠોસ નિદાન અને સારવાર જ ઉપલબ્ધ ન હોવાથી પોતાની આ બિમારીને તેમણે જીવનનો એક ભાગ બનાવ્યા વિના છૂટકો ન હતો. ખાસ કરીને રાત્રે વારંવાર ઊઠવાના કારણે ઊંઘ પૂરી ન થઇ શકે, ત્યારે આંખો સતત ભારે લાગે. દિવસે પણ સૂવા સિવાય વિકલ્પ ન રહે. આવા સંજોગોમાં દૈનિક ઓફિસનું કામ, અભ્યાસ કે રૂટિન કાર્યો કરવા એ પડકાર હોય છે એમ ડો. કાંબલે જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application