Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંડોળામાં 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા, પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી

  • April 29, 2025 

અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જોકે, હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે. અમદાવાદનાં ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા.


અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે. ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે. લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પુરો પાડતો હતો.


લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી. જેમાં અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી  કામગીરીની સમીક્ષા કરી હતી.


આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.


અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે.  આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી હતી. આ મુદ્દે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવાની હતી. જોકે, હાઈકોર્ટે આ મુદ્દે અરજદારોને અરજી ફગાવી દીધી છે અને ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application