સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વાલક પાટિયા ખાતે 200 કરોડના ખર્ચે નિર્માણ થનારી હોસ્ટેલનું ભૂમિપૂજન તા.15 ઓક્ટોબર દશેરાના દિવસે વડાપ્રધાન મોદી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કરશે જયારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતમુહૂર્ત કરશે. મુખ્ય નામકરણ દાતા હંસરાજ ગોંડલિયા પરિવાર, વલ્લભ લખાણી તેમજ હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓ ખાસ હાજર રહેશે. સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, સુરતમાં નિર્માણ થઇ રહેલી હોસ્ટેલ માત્ર હોસ્ટેલ નહીં, પરંતુ પટેલ સમાજ માટે મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.
સુરત ઉપરાંત ગામડાંનાં બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે પટેલ સંકુલ આશીર્વાદરૂપ નીવડશે. હોસ્ટેલનું પ્રથમ તબક્કાનું કાર્ય બે વર્ષમાં પૂર્ણ થશે. ત્યારબાદ 2022નાં અંતમાં 500 બહેનો માટેની હોસ્ટેલનો બીજો તબક્કો શરૂ થશે, જે 2024ના અંત સુધીમાં નિર્માણ થશે. ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઇ તમામ પ્રકારની સુવિધા અપાશે જેમાં તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે વ્યવસ્થા ગોઠવાશે તેમજ હોસ્ટેલની સાથે-સાથે 500 બેઠક ધરાવતું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થશે. પાટીદાર ગેલરી તૈયાર કરાશે, જેમાં છેલ્લાં બે હજાર વર્ષના ઇતિહાસને મૂર્તિમંત્ર કરાશે. સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર વિવિધ સંગઠનોની સેવાપ્રવૃત્તિના સંકલન માટે સેવા સેતુ સેન્ટર અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ કનેક્ટ સેન્ટર પણ શરૂ કરાશે આમ એક હજાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હોસ્ટેલની સુવિધા બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500