તાપીમિત્ર ન્યુઝવ્યારા:તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના દિવસો દરમિયાન યોજનારા રાજયના ૨૭માં આદિજાતિ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત થનારા નગરજનો, કલાકાર કસબીઓ, તથા પ્રેક્ષકોને પરંપરાગત ભોજન સહિત સ્થાનિક ક્રાફ્ટ બજારનો પણ લ્હાવો મળી રહે, તેવું સૂચારું આયોજન તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજનારા આ કાર્યક્રમ દરમિયાન તાપી સહિત ડાંગ જિલ્લાની પારંપારિક ઢબે તૈયાર કરાતી વિવિધ વાનગીઓનું પણ સ્થાનિક મંડળો દ્વારા વેચાણ કરાશે, સાથે સાથે સ્થાનિક હાથ બનાવટની અવનવી ચીજવસ્તુઓ પણ અહી પ્રદર્શન તથા વેચાણ માટે મુકાશે.વ્યારાના આદિજાતિ મહોત્સવ સાથે યોજનારા આ ફૂડ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં વિવિધ પોષક તત્વોથી ભરપૂર નાગલીની જુદી જુદી બનાવટો જેવી કે નાગલી બિસ્કિટ, શક્કરપાડા, લાડુ સાથે નાગલીના રોટલા, અડદની દાળ, લાલ અને લીલા મરચાની ચટણી, તુવેરની દાળ, તુવેરની શેકેલી દાળ, તુવેરનું બફાણું, ખાટી ભાજી, વન ભાજી, ઢેકળા, ઢાંચલી, ભડકુ, ડિશવાળા રોટલા, સેવવાળા રોટલા, ચોખાના રોટલા, મશરૂમનુ સૂપ, મહુડાનું સૂપ, ડેસી ચા, મધ, સફેદ મૂસળી, મહુડાની ડોળી, ઓર્ગેનિક શાકભાજી, ચોખા અને કઠોળ જેવા ધાન્ય ઉત્પાદનો સહિત આદિજાતિ પરિવારોની રોજીંદી વાનગીઓને રસાસ્વાદ સ્વાદ શોખીનોને માણવા મળશે.આ ઉપરાંત અહી હાથ બનાવટના તીર કામઠા,બાંબુ આર્ટિકલ્સ, પ્રાકૃતિક આદિવાસી ઘડિયાળ, મોતીની માળા સાથે વારલી પેઈંટિંગ્સ અને આદિવાસી લોકજીવનની ઝાંખી કરાવતા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજાશે.આમ, વ્યારાનો આદિજાતી મહોત્સવ આદિજાતિના લોકગીત, લોકનૃત્યો અને લોકસંગીતની સાથે સાથે આદિવાસી હસ્તકળા કારીગરી તથા પરંપરાગત ભોજનનો ત્રિવેણી સંગમ બની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500