તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલત યોજનાની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને નારી વિષયક યોજનાઓનું માર્ગદર્શન મળે તે હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષપદે નારી સંમેલન યોજાયું હતું.શ્યામા પ્રસાદમુખર્જી હોલ વ્યારા ખાતે આયોજિત નારી સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે મહિલાઓના બંધારણીય અને કાનૂની હક્કોના રક્ષણ માટે તથા મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસની સાથે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના આશયથી વર્ષ ૨૦૦૫માં ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના કરવામા આવી હતી.મહિલાઓને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય મળી રહે અને તેમને થતા અન્યાયો સામે પોતાનો અવાજ ઉઠાવી શકે તે માટે મહિલા આયોગ સતત પ્રયત્નશીલ છે.ગુજરાતમાં નારી અદાલતના પ્રયોગને મળેલી સફળતાથી પ્રેરાઈને કેન્દ્ર સરકાર ગુજરાતના ‘નારી અદાલત’ યોજનાના મોડેલનું દેશભરમાં અમલીકરણ કરવાં જઈ રહી છે.શ્રીમતી અંકોલીયાએ હાલ ગુજરાતમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત હોવાનું જણાવી ઉમેર્યું કે, મહિલા આયોગ દ્વારા રાજયભરના દરેક તાલુકા મથકે નારી અદાલતો શરૂ કરવાનું લક્ષ્ય છે. મહિલા આયોગ અને નારી અદાલતના કારણે અત્યાર સુધીમાં મહિલાઓને લગત હજારો કેસોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. પરિણામે રાજયમાં મહિલાઓ માટે કાર્યરત કરવામાં આવેલી નારી અદાલતો ખૂબ ઉપકારક બની રહી છે. મહિલા આયોગમાં સ્ત્રીઓ પોતાના પ્રશ્નોને એક સાદા કાગળ પર હસ્તલિખિત સ્વરૂપે રજૂ કરે તો પણ આયોગ ન્યાય અપાવે છે. મહિલાઓ તેમના હકકોથી વાકેફ થાય, સમાજમાં કુરિવાજો, અંધશ્રદ્ધાથી મુક્ત થાય તેમજ જાતિય સતામણીનો ભોગ ન બને તે માટે મહિલા આયોગ દ્વારા રાજ્યભરમાં ૩૦૦ તાલુકામાં કાયદાકીય કાર્યક્રમો-નારી સંમેલનો યોજવામાં આવ્યા છે. ઉપરાંત શાળા કોલેજો-યુનિવર્સીટી દ્વારા નારી અધિકારોની જાણકારી આપવાની શરૂઆત કરીને ૨૭ કોલેજો અને યુનિવર્સીટીમાં મહિલા જાગૃત્તિના સેમિનાર યોજ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે, મહિલા આયોગ બંને પક્ષને સમાધાન દ્વારા નજીક લાવી સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી શક્ય હોય ત્યાં સુધી મહત્તમ કેસોમાં પરિવારને તોડવાનું નહિ, પણ જોડવાનું કામ કરે છે.મહિલાઓ ઉપર સાસરીપક્ષ દ્વારા થતા શારીરિક-માનસિક અત્યાચાર, ઘરેલું હિંસા, મિલકત અને છૂટાછેડાના પ્રશ્નો, બાળકોની કસ્ટડી, ભરણપોષણના કેસો, સ્ત્રીનું અપહરણ, શાળા કોલેજ જેવા અભ્યાસના અને કામના સ્થળે થતી જાતીય સતામણી, મહિલાઓ સંબંધિત સમસ્યાઓનું નિવારણ વિના મૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત રાજય મહિલા આયોગ દ્વારા પીડિત અને મદદની જરૂરિયાત ધરાવતી કોઇ પણ મહિલાનું કાઉન્સિલીંગ કરવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણના અભિયાન દ્વારા સતત સ્ત્રીઓના ઉત્થાન માટે સક્રિય છે ત્યારે મહિલાઓ કાયદાકીય સમજ કેળવી બંધારણીય હકો પ્રાપ્ત કરવા સુસજ્જ બને તેવી અપીલ શ્રીમતી અંકોલીયાએ કરી હતી.ઉલ્લેખનીય છે કે, આયોગ દ્વારા મહિલાઓને બંધારણ અને કાયદાઓથી મળેલા હકકોની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત માર્ગદર્શન અને સહાયતા માટે ટોલ ફ્રી નં.: ૧૮૦૦-૨૩૩-૧૧૧૧ પર સંપર્ક કરીને કાયદાકીય મદદ અને સલાહ મેળવી શકાય છે. ઉપરાંત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંતર્ગત પણ ૨૪ કલાક દરમિયાન કોઈ પણ મહિલા તાત્કાલિક મહિલા પોલિસની મદદ, પારિવારિક વિખવાદ, જાતીય સતામણી જેવા મુદ્દે તાત્કાલિક મદદ પ્રાપ્ત કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500