તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી કલેક્ટર આર.જે.હાલાણીના હસ્તે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે દબદબાભેર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી માર્ચપાસ્ટની સલામી ઝીલી પ્રજાજોગ સંબોધન કરતા કલેક્ટર શ્રી હાલાણીએ રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી વિકાસ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે તાપી જિલ્લાના પ્રજાજનોને ૭૧મા પ્રજસત્તાક પર્વની શુભકામના પાઠવી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદવીરોને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સલામત અને સુરક્ષિત ગુજરાતની વિભાવના સાથે વહિવટમાં પારદર્શિતા એ પણ રાજ્ય સરકારની પ્રાથમિક્તા છે તેમ જણાવી વંચિતોના વિકાસ માટે અમલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પણ જાણકારી આપતા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી, પશુપાલન, સિંચાઇ, જળસંચય, ખેલ વિકાસ, આદિજાતિ વિકાસ, વન વિકાસ, ગ્રામ વિકાસ, શ્રમિક વિકાસ સહિત કુદરતી આપત્તિ વેળા પણ રાજ્ય સરકારે ત્વરિત નર્ણયો લઇને, પ્રજાજનોને સધિયારો આપ્યો છે તેમ જણાવ્યું હતુ. કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને વિકાસની ઉંચાઈઓને સર કરવા માટે કટિબધ્ધ બની આગામી દિવસોમાં ગુજરાત અને દેશની આન બાન અને શાન જળવાઈ રહે ,દેશની પ્રતિષ્ઠાને આંચ ન આવે તથા આપણો જિલ્લો અને રાજ્ય વિકાસની દિશામાં સતત નવીન ઉંચાઈઓ સર કરે એવી અભ્યર્થના સાથે આવો સૌ સાથે મળી વિકાસયાત્રાને આગળ ધપાવી લોકાભિમુખ શાસન પ્રણાલીને મજબુત બનાવીએ તેમ પણ જણાવ્યું હતુ. દરમિયાન જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, તથા સ્થાનિક કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી, માહોલને દેશભક્તિના રંગોથી રંગી દીધો હતો. શ્રેષ્ઠ કૃતિઓને કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા. આ વેળા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની સહિત વ્યક્તિ વિશેષ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ, તેજસ્વી તારલાઓનું પણ અભિવાદન કરાયુ હતું. આ પ્રસંગે કલેકટરે વાલોડ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક અધિક કલેક્ટર અને ઈ.ચા.આયોજન અધિકારીશ્રી વહોનીયાને એનાયત કર્યો હતો.૭૧માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ડોઢીયા, જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહાસિંઘ, પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, નાયબ વનસંરક્ષકશ્રી આનંદકુમાર, અધિક નિવાસી કલેકટ બી.બી.વહોનીયા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ, શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો,સ્થાનિક ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર તાપી જિલ્લામાં ૭૧માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઇ: દરેક સરકારી કચેરીઓ, નગર પાલિકા, ગ્રામ પંચાયતો, શાળા મહા શાળાઓ, સહકારી-સ્વૈચ્છિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી. આઝાદી માટે લડત ચલાવી જાન આપી દેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. પોલિસએ પરેડ યોજી તો શાળા કોલેજના વિધ્યાર્થીઓએ દેશભક્તિની કૃતિઓ રજુ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500