તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:દેશના અર્થતંત્ર અને વિકાસના આયોજનો માટે ખૂબ જ અગત્યની એવી ૭મી આર્થિક ગણતરીની કામગીરી તા.૧૫મી જાન્યુઆરી-૨૦૨૦થી શરૂ થયેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ સી.એસ.સી. ઈ ગવર્નન્સ દ્વારા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં કામગીરીની શરૂઆત થયેલ છે. આ આર્થિક ગણતરીમાં ઘરો, દરેક ભૌગલિક માળખા,ઉત્પાદન કરતા એકમો, સહકારી મંડળીઓ, ગૃહ ઉધોગ, બેંક, કોંટ્રાકટરો, ધંધાધારી વેપારી માળખું, કંપનીઓ, પેઢીઓ, સંસ્થાઓ- ટ્રસ્ટો, એજન્સીઓ, સ્વરોજગાર યુનિટ, છુટક ધંધાઓ જેમ કે લારી, ગલ્લા, દુકાન, ફેરીયાઓ, બ્યુટી પાર્લર, સિવણકામ, ખનન પ્રવૃતિ, હેંડી ક્રાફટ, સેલ્ફ હેલ્પ ગૃપ, રીક્ષા વાળા, ફેકટરી ધારકો, ઓધૌગિક સાહસો, ખાનગી હોસ્પિટલો,ઉપરાંત વ્યવસાયીક ક્ષેત્ર સાથે જોડાયેલા વકીલો, ડોકટરો, એન્જીનીયરો, આર્થિક ઉપાર્જન માટે કામ કરતા ઉત્પાદન/સેવાઓના એકમો તથા એવી પ્રવૃતિઓ કે જેમાં આર્થિક ઉપાર્જન થતુ હોય આવી તમામ પ્રકારની ગણતરી કરવામાં આવનાર છે. કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ગણતરીદારોને ચોક્કસ વિસ્તારો ફાળવવામાં આવ્યા છે અને એ વિસ્તારોની ગણતરીદારો માહિતી ભેગી કરશે જે એપ દ્વારા સીધેસીધી સર્વરમાં જશે. આમ, ડિજિટલ ડેટા બેઝ તૈયાર થશે. ઉલ્લેખનીય છે કે નાના ઘરેલું વ્યવસાયો સહિતના આવકના નાના મોટા સ્ત્રોતોને આવરી લઈ દેશનું એક સશક્ત આર્થિક ચિત્ર મળે એ હેતુથી સરકાર દ્વારા સમયાંતરે આર્થિક ગણતરી કરવામાં આવે છે. આ બાબતે તાપી જિલ્લામાં સી.એસ.સી. મેનેજર સર્વશ્રી તુષારભાઈ ગામીત મો.નં.૯૯૨૫૪૪૫૩૦૮ અને રવિભાઈ પટેલ મો.નં. ૯૯૨૫૧૩૦૭૧૯નો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવવા જણાવવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500