તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ : તાપી જિલ્લાના ઐતિહાસિક નગર સોનગઢ ખાતે તાજેતરમાં નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોનગઢ સ્થિત સિનિયર સિટીઝન હોલના માળ ઉપર, રંગ ઉપવન, જ્યબાગ ખાતે અંદાજિત રૂપિયા ૧૪ લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા આ ગ્રંથાલયને નગર પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરીના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ વેળા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો, નગરજનો, ગ્રંથાલયના વાચકો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળા શ્રીમતી વૈશાલીબેન ચૌધરીએ સોનગઢ નગરને ઐતિહાસિક નગર સાથે લોકો સંસ્કારી નગર તરીકે પણ ઓળખતા થાય, તે માટે ખાસ કરીને નવી પેઢીને વાંચનમાં રસરૂચિ વધારી, સંસ્કારી વાંચન તરફ લગાવ કેળવવાનો અનુરોધ કર્યો હતો. ગ્રંથાલયની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની નેમ સાથે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને પણ, આ ગ્રંથાલય ઉપયોગી સાબિત થશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર પૂર્વી પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500