તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સામાજીક, શૈક્ષણિક,સાંસ્કૃતિક સેવાકીય યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકને વિશ્વ વંદનિય પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુ ના વરદ્ હસ્તે ,ચિત્રકૂટ ધામ, તલગાજરડા,તા.મહુવા,જિ.ભાવનગર (સૌરાષ્ટ્ર) મુકામે ‘ ચિત્રકૂટ’ પારિતોષિક તથા રૂા.૨૫,૦૦૦/- રોકડ પુરસ્કાર અર્પણ કરી ભાવવંદના સાથે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમકુવા પ્રાથમિક શાળાના યુવાન મુખ્ય શિક્ષક શ્રી પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરી ને તેમના સામાજીક, શૈક્ષણિક અને કલા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આપેલા યોગદાનને બિરદાવતા આદરણિય પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરાયું હતું.પૂ.સંત શ્રી મોરારીબાપુએ સારસ્વતોનું સન્માન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપતા શિક્ષકો પ્રત્યેક બાળકમાં રામ અને કૃષ્ણ નું દર્શન કરતા કરતા વશિષ્ઠ અને સાંદિપની બની જાય છે. સમાજના આ શ્રેષ્ઠ સારસ્વતોનું સન્માન કરવાનો અવસર એક વિરલ ઘટના કહી શકાય. તેઓ હંમેશા સમાજમાં પ્રેરક અને પથદર્શક બની રહેશે.ચિમકુવા પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક શ્રી પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરીએ ભાવવિભોર બની શિક્ષણરૂપી મહાયજ્ઞમાં નિષ્ઠાથી બાલદેવોની સેવારૂપી આહુતિ આપવા માટે સમર્પિત શિક્ષક તરીકે કટીબધ્ધ રહેવાની અભિલાષા વ્યક્ત કરી હતી. શિક્ષક એ પણ આજીવન વિદ્યાર્થી જ છે એમ માનીને આગળ વધે ત્યારે જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે છે. આજે પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મને મળતા હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. પ.પૂ.મોરારીબાપુ તથા ચિત્રકૂટ ધામનો સદૈવ ઋણી રહીશ.ગુરૂકુળમાં રહીને શિક્ષા મેળવી પારંગત થતા શિષ્યો ભારતીય સંસ્કૃતિમાં મહાન બન્યા છે. ત્યારે આજના સમયમાં ગ્રામ્ય અને પછાત વિસ્તારમાંથી આવતા બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તેઓ ખૂબ તેજસ્વી બને તેવા મારા પ્રયાસ રહેશે. વંદનીય મોરારીબાપુના આશિર્વાદ સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ,પ્રદિપભાઈ ને તાપી જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ,,રાજ્ય તેમજ તાપી જિલ્લા શિક્ષક સંઘ,શાળા પરિવાર, તથા ગ્રામજનોએ ખૂબ ખૂબ અભિનંદન આપી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500