તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ડિજિટલ યુગમાં જ્યારે યંગ ઇન્ડિયાની નવી જનરેશન સ્માર્ટ ફોનના ઉપયોગ થકી સમગ્ર વિશ્વ સાથે સંપર્ક સેતુ સ્થાપી રહી છે ત્યારે, જ્ઞાનના આદાનપ્રદાનની તેમની જિજ્ઞાસા સંતોષી શકાય, અને તેમને અધિકૃત તથા માહિતીપ્રદ જાણકારી ફક્ત એક ક્લિકથી જ ઉપલબ્ધ કરાવી શકાય, તેવા પ્રયાસના ભાગરૂપે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે વિશેષ કરીને સોશિયલ મીડિયાના વિવિધ ટુલ્સનો યુવાનોને બખૂબી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સાથે સરકારની કામગીરી, પ્રજાલક્ષી નિર્ણયો, ફ્લેગશીપ પ્રોગ્રામ, રાજ્યની ભાતીગળ સંસ્કૃતિ સાથે જિલ્લાઓની ઐતિહાસિક જાણકારી, પ્રેરણાદાયી સ્ટોરી જેવી અલભ્ય માહિતી, જીજ્ઞાસુઓને એક જ ક્લિકના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે માહિતી વિભાગે તેની વેબસાઈટ સહિત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યુ ટ્યુબ ચેનલો પણ કાર્યાન્વિત કરીને, છેવાડાના વ્યક્તિઓ સુધી જાણકારી પહોંચાડવાનો યજ્ઞ આદર્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને તાજેતરમાં તાપી જિલ્લાની જિલ્લા માહિતી કચેરી, તથા જિલ્લા રોજગાર કચેરી દ્વારા, કેરિયર કોર્નર તથા કેરિયર કાઉન્સેલિંગ માટે આવતા, જિલ્લાના યુવાનો સહિત રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા જેવા કાર્યક્રમના સ્થળોએ સોશિયલ મીડિયાના ઉપયોગની જાણકારી આપી, આ અંગેનું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તાજેતરમાં નિઝર સ્થિત ઔધ્યોગિક તાલીમ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ સોશિયલ મીડિયાના વિવિધ ટૂલ્સના ઉપયોગ અંગેની જાણકારી આપવા સાથે, જરૂરી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી એન.ડી.ભીલ તથા સહાયક માહિતી નિયામક શ્રી આર.આર.તડવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના કર્મયોગીઓ સર્વશ્રી મનોજ ખેંગાર, અર્પિત ગામિત, વિરલ ગામિત, વિપુલ ગામિત, પાર્થ ચૌધરી, વિનોદ મરાઠે, વિરલ ચૌધરી, સાવિત્રી ગામીત વિગેરે સહયોગી બની રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500