ડાંગ જિલ્લાની ૧૮૧ અભયમ ટિમની સુઝબુઝથી એક શ્રમિક પરિવારની ભૂલી પડેલી કિશોરીને સહી સલામત તેમના પરિવારને સોંપવામાં સફળતા મળી છે. એક જાગૃત વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરીને, આહવા તાલુકાના ગડદ ગામે એક કિશોરી, રસ્તા પર એક બાઈક પરથી પડ્યા છે અને બાઈક ચાલક ત્યાંથી નીકળી ગયેલ છે તેમ જણાવી, તેણીની પૂછપરછ કરતા તેમનું અહીં કોઇ પણ ઓળખીતું ન હોઇ, તેઓ રસ્તામાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા અને તેઓ ખૂબ જ ગભરાયેલા હોય તેવું જણાતા, તેમની મદદ માટે ૧૮૧ની ટિમને કોલ કર્યો છે તેવી કેફિયત રજૂ કરી હતી.
આ કિશોરીએ પિંક કલરનો ડ્રેસ, અને બ્લુ કલરનું જેકેટ પહેર્યું હતું. તેમજ તેમની પાસે એક કાળા કલરની બેગ છે એવું પણ કોલ કરનાર વ્યક્તિ તરફથી જાણવા મળ્યું હતું. આ કોલ આવતાની સાથે જ ૧૮૧ ટિમના કાઉન્સિલર દીપિકાબેન તથા કોસ્ટેબલ ચંદનબેન અને પાયલોટ શૈલેષભાઈ રસ્તા પર તેણીની શોધખોળ માટે નીકળી ગયા હતા અને તેમને રસ્તામાં આ વર્ણનવાળી કિશોરી મળી પણ આવી હતી. જેની પૂછપરછ કરતા તે ખૂબ જ ગભરાયેલ હતી અને તેણી ગુજરાતી કે ડાંગી ભાષા પણ સમજતા ન હતા. આ કિશોરીને શાંતિપૂર્વક બેસાડી તેના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે તે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સીરીસપાડા ગામની રહેવાસી છે.
તેણી ઘરેથી સવારે દાદીના ઘરે જાઉં છું કહી નીકળેલ હતા. ડાંગમાં આવી અટવાઈ ગયેલ હોઇ જેથી તેઓને ઘરે જવા માટે તેઓ એક બાઈક પર બેસી તેમના ઘરે જવા રવાના થયા હતા. પરંતુ રસ્તો અલગ લાગતા આ કિશોરી બાઈક પરથી કુદી પડેલ હોય એવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેના બતાવ્યા પ્રમાણે સિરીસપાડા ગામે કોન્ટેક કરી તેમના ગામના સભ્યોને તેણીનો ફોટો મોકલી તપાસ હાથ ધરતા આ કિશોરીની તેમના ઘરના શોધખોળ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જણાવેલ સરનામા પર પહોંચતા તેમના માતા પિતા સાથે વાતો કરી ત્યારે જાણવા મળેલ કે આ કિશોરી અસ્થિર મગજના હોઇ ઘરેથી નીકળી ગયા હતા. જેથી તેમના માતા-પિતા ચિંતામાં હતા. ૧૮૧ના પ્રયાસોથી તેઓ તેમની પુત્રીને સહી સલામત ઘરે આવેલી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હોઇ આ પરિવાર તથા અસરગ્રસ્ત બહેને ૧૮૧ ટિમનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500